મારે ઇન્ટરવ્યૂમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી? તો બીજા વિદ્યાર્થીએ પૂછ્યું કે સર્વિસ માટેના ઇન્ટરવ્યૂ અને કોમ્પિટેટિવ એકઝામના ઇન્ટરવ્યૂમાં શું ફેર હોય છે? જ્યારે વિદ્યાર્થીના એક ગ્રૂપે પૂછ્યું કે, સર અમારે કેવી રીતે સીવી તૈયાર કરવો જોઇએ? આવા અનેક પ્રકારના પ્રશ્નો કોમર્સના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ એક સેમિનારમાં એક્સપર્ટને પૂછયા હતા.
વિદ્યાર્થીઓની મૂંઝવણના ઉકેલ માટે ફાઇનાન્સિયલ એક્સપર્ટ શૈલેષ ઠક્કર હાજર હતા, તેમણે સ્ટુડન્ટને કરિયર વિશે ધ્યાનમાં રાખવા માટેના મુદ્દાઓની જાણકારી આપી હતી. પ્રસંગ હતો એચ.કે. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલા કરિયર સેમિનારનો. આ સેમિનારમાં આર.જે. ટબિરેવાલ કોલેજના પ્રો.એસ.જે. પાઠક અને સીઇડીના પ્રોજેક્ટ લીડર શૈલેષ ત્રિવેદી પણ એક્સપર્ટ તરીકે હાજર રહ્યાં હતા.
ઇન્ટરવ્યૂ માટેની તૈયારી
ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે એક બેગ, ફાઇલ, બે કોરા કાગળ, બે પેન, સ્ટેપ્લર અને પરફયુમની નાની બોટલ સાથે રાખવી જરૂરી છે. ઇન્ટરવ્યૂ ફેસ કરતી વખતે નર્વસનેસ આવે તો તમારી પાસે રહેલી બેગનો તમને સાથ મળી રહેશે. ઇન્ટરવ્યૂ ફેસ કરતી વખતે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેના પર સુંદર માર્ગદર્શન સ્કોપના જોઇન્ટ સીઇઓ શૈલેશ ઠક્કરે વિદ્યાર્થીઓને આપ્યું હતું.
સીવીને બનાવો ઈમ્પ્રેસિવ
ઠક્કરે વિદ્યાર્થીઓને સીવી તૈયાર કરવાની પદ્ધતિ અંગે જણાવતા કહ્યું કે, હંમેશા સીવીને કલર ફોર્મેટમાં અને સ્ટેપ્લરની જગ્યાએ સ્ટેપ પિન લગાવીને એ-ફોર સાઇઝના કવરમાં કુરિયર કરવો જોઈએ. આ પદ્ધતિથી મોકલાયેલા સીવી સારી ઇમ્પ્રેશન ઊભી કરે છે. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ફાઇનાન્સ ફિલ્ડમાં પણ અઢળક તકો રહેલી છે
એક્સપર્ટ આર.જે.ટી.સી.સીના પ્રો. એસ.જે.પાઠકે વિદ્યાર્થીઓને ફાઇનાન્સ ફિલ્ડમાં રહેલી તકો અંગે જણાવતા કહ્યું કે, કોલેજમાં અભ્યાસની સાથે સી.એ.ની સીપીટીની એકઝામ આપી શકાય છે. કોસ્ટ એકાઉન્ટ અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન માટે કોમર્સના વિદ્યાર્થીઓની જરૂર પડે છે. જ્યારે ઇન્કમટેક્સ ઉપરાંત સેલ્સટેકસ અને સર્વિસટેકસ જેવા વિભાગમાં આજે કોમર્સના વિદ્યાર્થીઓ માટે વધારે તકો રહેલી છે. શૈલેષ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપ કરવામાં સીઇડીની ભૂમિકા સમજાવી હતી.
પ્રોગ્રેસ માટે ‘વિકાસપથ’
એચ.કે. કોમર્સ કોલેજ અને ઉદેસી ક્લબ દ્વારા એક દિવસનો સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ કરિઅર ગાઇડન્સ પર વિકાસપથ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સપાલ ગોપાલ ભટ્ટે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસ સાથે સ્વ વિકાસ અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારકિર્દી પસંદગી, રોજગારીની તકો સંબંધિત સલાહ-સૂચનો, સોફટ સ્કિલ અને કોલેજ કક્ષાએ ઇન્ટરવ્યૂ મેનર્સ માટે મોક ઇન્ટરવ્યૂના કાર્યક્રમ રખાયા હતા.
સ્ટુડન્ટ માટે એક્સપર્ટ ટિપ્સ
- જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે એકથી વધુ પેન, સ્ટેપલર કોરા કાગળ વગેરે પણ સાથે રાખો.
- ઈન્ટરવ્યૂ આપતી વખતે જો નર્વસનેસથી ઘેરાઇ જાવ તો સ્પેશિયલ બનાવેલી કીટનો ઉપયોગ કરી તેમાંથી બહાર આવો.
- સીવીને ઈમ્પ્રેસિવ બનાવવો પણ ઘણો જરૂરી છે. બને તો કલરફોર્મેટમાં બનાવો.