ડુંગળીના વધતા ભાવો અને ક્રિસમસની સિઝનને ધ્યાનમાં રાખી ફતેગંજના વેપારીનો અનોખો કીમિયો
ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો આસમાને જઇ રહ્યા છે અને પાકિસ્તાનમાંથી કેન્દ્ર સરકારે ડુંગળીની આયાત કરવી પડી રહી છે તેવા સમયમાં શહેરના ફતેગંજ વિસ્તારના રેડીમેડ ગારમેન્ટ્સના વેપારીએ ક્રિસમસ સિઝનમાં કપડાંની ખરીદી પર બે કિલોથી લઇને ૧૫ કિલો ડુંગળી ફ્રી આપવાનો નવો કીમિયો અજમાવ્યો છે.
ડુંગળીના ભાવો આસમાને પહોંચતાં મધ્યમવર્ગની હાલત ખરાબ થઇ ગઇ છે. ડુંગળીની અછત અને આસમાન જતા ભાવો તેમજ ક્રિસમસની સિઝનને ધ્યાનમાં રાખીને ફતેગંજના રેડીમેડ ગારમેન્ટ્સના વેપારી ફિરોઝ શેખે અનોખો કીમિયો અજમાવ્યો છે. વેપારીએ રૂપિયા ૧ હજારનાં કપડાંની ખરીદી પર બે કિલોની ડુંગળી મફતની સ્કીમ મૂકીને આકર્ષણ ઊભું કર્યું છે. વેપારીએ રૂપિયા ૧ હજારથી લઇને પાંચ હજાર સુધીનાં કપડાં પર બે કિલોથી લઇને ૧૫ કિલોની ડુંગળી મફતમાં આપવાની જાહેરાત કરી છે.
વેપારીએ જણાવ્યું કે, ‘વેચાણ વધારવાની સાથે સાથે સામાજિક-આર્થિક મુદ્દાને પણ ઉજાગર કરવાનો અમારો હેતુ છે. કાપડ સાથે ડુંગળી મફતની સ્કીમ મૂકતાં લોકો કુતૂહલતા વશ પણ શો રૂમમાં ઊમટી પડ્યા હતા.’