ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગાંધીનગરમાં એક જ દિવસમાં આત્મહત્યાના બે બનાવ બનતાં ચકચાર મચી છે. નશાબંધી વિભાગમાં પીએસઆઇની પરીક્ષામાં નપાસ જતાં સેક્ટર-૪માં રહેતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારા યુવકના લગ્નને મહિનો પણ થયો ન હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાતના બીજા બનાવમાં ભઈજીપુરામાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના એક કર્મચારીએ પણ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર-૪બીમાં પ્લોટ નં. - ૫૧૭/૨માં રહેતા ૨૩ વર્ષીય કૌશિકભાઈ બાબુભાઈ પરમારે શનિવારે બપોરે ફાંસો ખાઈ લીધો હતો. સેક્ટર-૭ના પીએસઆઇ ટેલરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં ગુજરાતી ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતા બાબુભાઈ લક્ષ્મણભાઈ પરમારના ૨૩ વર્ષીય પુત્ર કૌશિકે નશાબંધી વિભાગમાં પોલીસ સબ ઇન્સપેક્ટર (પીએસઆઇ) તરીકે પરીક્ષા આપી હતી.
શનિવારે કૌશિકે ઇન્ટરનેટ પર આ પરીક્ષાનું પરિણામ જોયું ત્યારે તે નપાસ જાહેર કરાયો હતો. પીએસઆઇની પરીક્ષામાં નપાસ થતાં કૌશિકે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરમાં એકાંતનો લાભ લઈ ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. ઘટનાની કરુણતા એ છે કે કૌશિકના ૨૮ જાન્યુઆરીએ જ લગ્ન કરવામાં આવ્યાં હતાં. આત્મહત્યાના બીજા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભઈજીપુરા પાસેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટની હોસ્ટેલના કૂક હેલ્પર સંજય કેસ્ટો બાગી (૨૭)એ શનિવારે અકળ કારણસર ફાંસો ખાઈ લીધો હતો.
પશ્ચિમ બંગાળના હીરાપુરથી સંજય ૨-૩ દિવસ પહેલાં જ અહીં નોકરી કરવા માટે આવ્યો હતો. આ હોસ્ટેલમાં નોકરી કરતો પશ્ચિમ બંગાળનો જ એક શખ્સ સંજયને અહીં લાવ્યો હતો. જોકે તેને હોસ્ટેલમાં નોકરી કરવાનું ફાવતું ન હોવાની ફરિયાદ પણ કરી હતી. આથી સેક્ટર-૭ના પીએસઆઇ ઝાલાના કહેવા પ્રમાણે નોકરી કરવામાં ફાવતું ન હોવાને કારણે પણ સંજયે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે.