રૂદણ, ભેરાઈ, બીડજ, અંગાડી અને પુજાની મુવાડીમાંથી પોલીસના દરોડા
ખેડા જિલ્લાના રૂદણ, ભેરાઈ, બીડજ, અંગાડી અને પુજાની મુવાડીમાંથી મંગળવારે રાત્રિના શ્રાવણિયો જુગાર રમતાં બાવન જુગારિયાને પોલીસે પકડી લીધાં હતા. પોલીસે આ જુગારિયાઓ પાસેથી રોકડ રૂપિયા ૩૩,૧૨૫, ૧૫ મોબાઈલ, એક રિક્ષા, એક બાઈક સહિત કુલ R ૧.૯૨ લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ સંદર્ભે મહેમદાવાદ, ખેડા, ઠાસરા અને કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં મંગળવારે રાત્રિના પોણાબાર વાગે જાહેરમાં જુગાર રમતાં ૯ જુગારિયાને મહેમદાવાદ પોલીસે પકડી લીધાં હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ R ૧૨,૪૯૦, ચાર મોબાઈલ સહિત R ૨૦,૪૯૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. જ્યારે ઠાસરા તાલુકાના અંગાડી ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે મંગળવારે રાત્રે ઠાસરા પોલીસે દરોડો પાડ્યો હતો. અંગાડીમાં જુગાર રમતાં નવ જુગારિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતા.
પોલીસે દાવ પર તથા અંગજડતીના R ૨,૧૬૦, ચાર મોબાઈલ, એક બાઈક સહિત R ૪૦,૪૬૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. ખેડા તાલુકાના બીડજ ગામમાં મંગળવાર રાત્રે જુગાર રમતાં ૧૧ જુગારિયાને ખેડા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારિયા પાસેથી રોકડ R ૮,૧૦૫ અને સાધનસામગ્રી સહિત R ૮,૪૬૦નો મુદ્દામાલ હસ્તગત કરીને ૧૧ જુગારિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.
વધુ એક બનાવમાં ખેડા તાલુકાના ભેરાઈ ગામમાં મંગળવાર રાત્રે પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં ૧૩ જુગારિયાને ઝડપી પાડીને ચાર મોબાઈલ સહિત R ૫,૮૩૫નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો, જ્યારે કપડવંજ તાલુકાના પુજાજીની મુવાડીમાં મંગળવાર રાત્રે કપડવંજ રૂરલ પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં ૧૦ જુગારિયાને પકડી લીધાં હતા. આ જુગારિયા પાસેથી રોકડ R ૧૦,૩૭૦, ત્રણ મોબાઈલ, એક રિક્ષા સહિત કુલ R ૧,૧૬,૭૭૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.