- જાતિવાદના ઝેરમાંથી દેશને મુક્ત કરીશું તો જ સાચો વિકાસ થશે તેમ ડાકોરના સદ્દભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું એલાન
અનેક અવરોધો વચ્ચે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ભૂતકાળમાં કોઈ સરકારને આટલી મુશ્કેલીઓ આવી નહીં હોય, તેટલી મુશ્કેલીઓ કેન્દ્રની સરકારની આવી છે. કેન્દ્ર દ્વારા તમામ હથિયારો ગુજરાતને રફેદફે કરવા વાપરવામાં આવ્યા છે. ગુજરાત બદનામ થાય, રાજ્યને નુકશાન થાય, મળતું નાણું છીનવી લેવાની કોશિષ થાય, આ બધા જ પ્રકારની યાતનાઓની વચ્ચે ગુજરાતે વિકાસ કર્યો છે. ગુજરાત ક્યારેક ઝુકયુ નથી, ક્યારેય થાકયુ નથી અને ક્યારેય રૂકયુ (અટકયુ) નથી. ગુજરાતે માત્ર વિકાસનો જ મંત્ર લીધો છે અને તે સાકાર કરીને જ રહેશે. તેમ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે ડાકોરમાં જણાવ્યુ હતું.
ગુજરાત રાજ્યના ૨૨મા સદ્દભાવના કાર્યક્રમનું આયોજન ડાકોરમાં મંગળવારે થયુ હતું. આ નિમિત્તે થામણાના ક્રિકેટ મેદાન પર બનાવેલા હેલીપેડ પર હેલીકોપ્ટર મારફતે આવી પહોંચેલા મુખ્યમંત્રી સૌ પ્રથમ રાજા રણછોડરાયના દર્શનાર્થે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ મંદિરના સેવકોના આર્શીવાદ તથા ઉપરણા લઈને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવી હતી. ત્યારબાદ સંમેલનમાં તેઓનું અનેક સમાજો, સંતો-મહંતો વગેરેના દ્વારા સ્વાગત થયુ હતું.
આ સંમેલનમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, માનવીની તમામ સમસ્યાઓનું સમાધાન, ગરીબી, બિમારી, અજ્ઞાનતા બધુ જ વિકાસની જ જડીબુટ્ટીથી દૂર થઈ શકે છે. જેના કારણે સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર લઈને રાજ્યની સરકારને વિકાસની હરણફાળ ભરાવવા માટે અમો જિલ્લાકક્ષાએ આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે. ભૂતકાળની સરકારોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. તેઓએ સમાજને જોડવાનું નહીં પરંતુ તોડવાનું કામ કર્યું હતું. પરંતુ અમારી સરકાર સર્વજન સુખાય, સર્વજન હિતાય:ના મૂળમંત્રથી કામ કરી રહી છે. જેના થકી આખો દેશ ગુજરાત શું કરી રહ્યો છે તે જાણવા આતુર છે.
ભારતના પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ કહ્યુ હતું કે, ‘કુપોષણ એ રાષ્ટ્રિય શરમ છે.’ ત્યારે ૨૦૦૧માં વસ્તી ગણતરી થયા બાદ ગુજરાતની સરકારે ૨૦૦૪માં કુપોષણ સામે ઝુંબેશ ઉપાડીને ૭૦૦ કરોડનું બજેટ ફાળવ્યુ હતું. સર્ગભાઓનુ આહાર અને બાળકોને પોષણ મળે તેવું આયોજન કર્યું તો હજુ કેન્દ્રની સરકાર શરમ કેમ અનુભવી રહી છે? કેમ કોઈ આયોજન કે યોજનાઓ બનાવતી નથી તેવો વેધક પ્રશ્ન મુખ્યમંત્રીએ કર્યો હતો. ખેલ મહાકુંભમાં ૪૪ કરોડના ઈનામો અપાયા, ગુજરાતમાં એન્જીનિયરિંગની ૧૩ હજાર બેઠકો હતી તેમાં વધારો કરીને ૯૦ હજાર બેઠકો કરી જેના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
કોંગ્રેસની ઝેર રેડવાની તમામ ગોળીઓ નકામી નીવડી છે. મારી સરકારની વિકાસની સફળતાનું કારણ ગુજરાતની છ કરોડની પ્રજા મારી સાથે છે. મેં ગુજરાતમાં એકતા, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ સજ્યું છે. જેણે પ્રગતિ કરવી હશે? તેમણે ઉપરોકત મંત્રનો અમલ કરવો જ પડશે. જાતિવાદના ઝેરમાંથી દેશને મુકત કરીશું તો જ આ દેશનો વિકાસ શક્ય બનશે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
આ પ્રસંગે રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, મંત્રી લીલાધરભાઈ વાઘેલા, મંત્રી રમણભાઈ વોરા તથા ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને મુખ્યમંત્રીના વિવિધ યોજનાસભર કાર્યક્રમોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દંડક પંકજભાઈ દેસાઈ, સંસદિય સચિવ સુંદરસિંહ ચૌહાણ, ધારાસભ્ય દેવુસિંહ ચૌહાણ, કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહ, કલેક્ટર એમ.વી.પારગી, ડી.ડી.ઓ સંદીપકુમાર, અધિક કલેક્ટર આર.કે.રાઠોડ સહિત ભાજપના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
ખેડા જિલ્લાને વિકાસ કામો માટે R ૯૦૦ કરોડ ફાળવ્યા
સદભાવના કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપવાસીઓને બિરદાવતાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતું કે, તમારૂં તપ એ મારૂં કર્જ છે. તમારૂં તપ હું ક્યારેય એડે નહીં જવા દઉં, ગત સ્વાતંત્રય પર્વ પ્રસંગે મેં ખેડા જિલ્લાના વિકાસ માટે R ૭૫૭ કરોડ ફાળવ્યા હતા અને તેના નિધૉરિત કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થવાના છે ત્યારે ૨૦૧૨માં હું ખેડા જિલ્લાના R ૯૦૦ કરોડની વધુ ફાળવણી કરૂ છું અને આ ફાળવણીના વિકાસના કાર્યો સત્વરે શરૂ થાય તેવી મારી ઈચ્છા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.