સીધા જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત વેતન મળતાં અન્યાય સામે નારાજગી
પંચમહાલ જિલ્લામાં માનદ્ સંસ્થા મારફતે ભરતી પામેલા ૭૭ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરો છેલ્લા છ માસથી મળવાપાત્ર મહેનતાણાથી વંચિત બનતાં તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે સીધા જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત વેતન મળતાં અન્યાય સામે નારાજગી જન્મી છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી માટે પંચમહાલ જિલ્લામાં ૧૫૦ જેટલા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોની નિમણુંક કરાઇ છે. આ વર્કરોને ઉચ્ચક માસિક પગાર રૂ.૨૩૧૦ તથા રૂ.૩૭૦૦ ઇન્સેન્ટિવ મહેનતાણું આપવા જેવા કરાર કરવામાં આવ્યા છે. જે પૈકી જિલ્લામાં ગત ઓગસ્ટ માસમાં રેડક્રોસ સોસાયટી મારફતે ૧૧ માસના કરાર આધારે ભરતી પામેલા ૭૭ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોને છેલ્લા છ માસથી તેમને મળવાપાત્ર આ મહેનતાણા અને પગારની રકમ જિલ્લા પંચાયત દ્વારા ચુકવવામાં વિલંબ સર્જાયો છે.
આજદિન સુધી રકમ નહીં અપાતાં આ વર્કરો હાલની મોંઘવારીમાં પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે આરોગ્ય કર્મીઓ દ્વારા વેતન અંગે માંગણી કરવામાં આવતાં તેઓને સંતોષકારક જવાબ નહી આપીને જે તે સંસ્થા જવાબદાર હોવાનું જણાવે છે. ત્યારે રજૂઆત ક્યાં કરવી તે તેનો પ્રશ્ન મૂંઝવણમાં છે.
બાવન જેટલી ખાલી વર્તાઇ રહેલ જગ્યાથી અસર
સમગ્ર જિલ્લામાં ૪૦૦ જેટલું મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરનું મહેકમ મંજુર થયેલ છે.જેમાં ૩૮ જેટલી જગ્યા નિયમિત કર્મીઓ છે. રેડક્રોસ સોસાયટી મારફતે ૭૭ની જગ્યા પુરાયેલી છે અને ૩૨૪ જેટલા આરોગ્યકર્મીઓ જિલ્લા પંચાયત દ્વારા કરાર આધારિત છે. જ્યારે હજુય બાવન જેટલી ખાલી વર્તાઇ રહેલ જગ્યાને કારણે દદીgઓનું આરોગ્ય જોખમમાં મુકાતું હોવાનું કહેવાય છે.