શહેરમાં ફાટકો પર સર્જાનારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરું આયોજન
ગાંધીનગરની શહેર વિકાસ યોજના ધીરે ધીરે રંગ લાવી રહી છે. તેમાં ગાંધીનગર-દિલ્હી રેલ વ્યવહાર શરૂ થવાથી શહેરમાં આવેલા ફાટકો પર સર્જાનારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરા આયોજનરૂપે માર્ગ નં. ૩,પ,૬ અને ૭ પર ઓવરબ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા આ માટે અભ્યાસ અહેવાલ તૈયાર કરાવાશે પરંતુ તે પહેલા ચાર ઓવરબ્રિજ માટે સરકારને વિધિવત દરખાસ્ત કરી દેવામાં આવી છે.
લાંબા અંતરની વધુ ટ્રેનો દોડતી થવાની સાથે શહેર વિસ્તારમાં આવેલા રેલવેના ફાટકો પર ટ્રાફિક જામ શરૂ થઇ જ જવાનો છે. અત્યાર સુધી તો ઉપરોકત ફાટકો માનવ વિહોણા જ રાખવામાં આવ્યા હતાં. કેમ કે, જીઇબીની કોલસાની માલગાડી સિવાય શાંતિ એક્સપ્રેસ જેવી રડીખડી ટ્રેન દોડતી હતી. હવે નવી દિલ્હી અને દેશના અન્ય મહાનગરોને જોડતો ટ્રેન વ્યવહાર શરૂ થયો છે. તેથી રેલવે તંત્ર દ્વારા નવો ટ્રેક બનાવવાની સાથે ફાટકો પણ નવા બનાવાયા છે અને તેને કાર્યરત કરી દેવાયા છે. આગામી દિવસોમાં આ ફાટકો પર ટ્રાફિક જામ રોજની વાત બની જવાની છે.
બીજીબાજુ જીઆઇડીસીનો ઇલેકટ્રોનિકનો સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન ધમધમતો થતા આ ફાટકો પર ટ્રાફિક વધશે. ઉપરોકત બાબતોને ધ્યાનમાં રાખીને પાટનગર યોજના વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરમાં માર્ગ નં. ૩,પ,૬ અને ૭ પર ઓવરબ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીને આ સંદર્ભે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને દરખાસ્તો મોકલી આપી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ તેના અભ્યાસ અહેવાલ તૈયાર કરવા આદેશ આપી દેવાયા છે. તેમાં ટ્રાફિકની અવરજવર, ઓવરબ્રીજનો બાંધકામનો ખર્ચ તથા ભૌગોલિક સ્થિતિ સહિતની બાબતોને આવરી લેવાશે.
આ મામલે સરકાર દ્વારા રેલવે મંત્રાલય સાથે વાટાઘાટો કરીને ઓવરબ્રિજનું કામ હાથ ધરાશે. જોકે, અધિકારીઓ સ્પષ્ટ કહ્યું કે, આ કોઇ નાનું કામ નથી એક-બે વર્ષમાં ચાર બ્રિજ ઉભા નહીં થઇ જાય. વધુમાં એમ પણ કહ્યું કે, આ કામમાં રેલવેનો જેટલો ભાગ હોય ત્યાં રેલવે તંત્ર ઓવરબ્રિજ બનાવે છે જ્યારે તેના એપ્રોચ સહિતનું કામ રાજ્ય સરકાર કરે છે. એટલે કે, રેલવે તંત્રે પણ આ ચાર બ્રિજનું કામ બજેટમાં સમાવવુ પડશે.