આ ફેશન શોમાં ભારતીય ડિઝાઇનરો અને મોડેલ પણ ભાગ લેશે
ગુજરાતી ડિઝાઈનરો આજે ગ્લોબલ લેવલે છવાઇ રહ્યાં છે ત્યારે એકમાત્ર ગુજરાતી કોરિયોગ્રાફર ઉત્સવ ધોળકિયાએ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. ઇન્ટરનેશનલ લેવલે ફેશન શોમાં કોરિયોગ્રાફી કરતા ઉત્સવ ધોળકિયાને મોરેશિયસ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તેઓ આગામી ૪ સપ્ટેબરે મોરેશિયસ ખાતે તેઓ એક ફેશન શો કરશે.
અત્યાર સુધી દરેક જગ્યાએ યોજાતા ફેશન શો હોટેલ કે મહેલમાં યોજાતા હોય છે. પરંતુ મોરેશિયસ ખાતે આ વખતે મોરેશિયસ ટૂરિઝમ દ્વારા બીચ પર એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરેશિયસની તમાશા હોટેલ ખાતે આવેલા બીચ પર આ શો કરવામાં આવશે. જેમાં રેતીમાં સ્ટેજ બનાવવામાં આવશે અને બેકગ્રાઉન્ડમાં પાણી હશે.
આ શોની કોરિયોગ્રાફી અંગે ઉત્સવ ધોળકિયાએ કહ્યું કે, આ પ્રથમ શો એવો છે કે જે બીચ પર યોજાશે. આ ફેશન શોમાં ભારતીય ફેશન અને મોરેશિયસ કલ્ચરનું ફ્યુઝન જોવા મળશે. આ ફેશન શોમાં પ્રખ્યાત મોડલ પ્રિયંકા શાહ, આશીમા જૈન, સિમરન કોર મુંડી, આર્યન વૈદ, હનિકા અને પ્રિયા સિંગ ભાગ લેશે. બોલિવૂડ ડિઝાઈનર નિસા સાગર આ શોમાં ભારતીય ફેશન રજુ કરશે અને મોરેશિયસના ડાન્સર તેમનું ટ્રેડશિનલનૃત્ય રજુ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ શોની તૈયારી અમે છેલ્લા છ મહિનાથી કરીએ છીએ.
ઉત્સવ ધોળકિયાએ અત્યાર સુધી કરણ જોહર, મલાઇકા અરોરા, સયાલી ભગત, ભાગ્યશ્રી, હેમા માલિની, રિયા સેન, કેટરિના કેફ જેવી બોલિવૂડ એક્ટ્રેસ સાથે કામ કરી ચૂક્યા છે. તેમના આગામી પ્રોજેક્ટ વિશે તેમણે કહ્યું કે, ૬ ઓક્ટોબરે બોમ્બે ખાતે હોંગકોંગ ટૂરિઝમનો શો કરશે. આ સિવાય નોર્થ ઇન્ડિયામાં ચંદીગઢ અને લુધિયાણા ખાતે, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સુરત ખાતે અને ૨૭ નવેમ્બરે ભુજ ખાતે એક ફેશન શો કરશે.
૮ થી ૮૦ વર્ષના ડિઝાઈનરો ભુજમાં ફેશન શો કરશે
આગામી ૨૭ નવેમ્બરે ભુજથી ૧૦૦ કિલોમીટર દૂર તુંબાવાડ ખાતે હેન્ડિક્રાફ્ટની વસ્તુ રિલેટેડ ફેશન શો રજુ કરશે. આ ફેશન શોની ખાસિયત એ હશે કે, તેમાં ૮ વર્ષથી ૮૦ વર્ષના ગામડાંના ડિઝાઈનરો ભાગ લેશે અને તેમણે બનાવેલી હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ ફેશન શોમાં રજુ કરવામાં આવશે.