માત્ર ગાંધીજીએ આઝાદી અપાવી નથી: CM મોદી

- આઝાદીનો શ્રેય સુભાષચંદ્ર બોઝને જાય છે
- છઠ્ઠીએ ટાગોર હોલમાં આઈએનએનો સ્થાપના દિન ઉજવાશે
- ગુજરાત પ્રાંતનું નેતાજી સુભાષ સંગઠન બનશે, જેના રાષ્ટ્રીય સ્તરના વડા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બનશે
ગાંધીજીએ દેશના લોકોને એક કર્યા પણ ગાંધીજીએ આઝાદી અપાવી કહેવું ઉચિત નથી. ખરેખર સુભાષચંદ્ર બોઝને લીધે સન ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇએનએ ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠી જુલાઇ આઝાદ હિન્દ ફૌજનો સ્થાપના દિવસ ટાગોર હોલમાં ઉજવવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતપિદના ઉમેદવાર પી.એ.સંગમા પણ ઉપસ્થિત રહેનાર છે.
કાર્યક્રમ અંગે માહિતી આપતાં આઇએનએ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી આર.એસ.ચિકારાએ વધુમાં કહ્યું હતું કે દેશના રાજકારણીઓએ સુભાષચંદ્ર બોઝને ભુલાવી દીધા છે પરંતુ લોકોના હૃદયમાં તેઓ આજે પણ જીવીત છે. દેશની આઝાદીના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે બોઝે ઇન્ડિયન ઇમ્પિરિયલ આર્મીમાં ઊભી કરેલી બગાવતથી અંગ્રેજો ફફડી ગયા હતા અને આથી જ તેમને ભાગવાની ફરજ પડી હતી.
ગાંધી-નહેરુની વિચારધારા દેશને આઝાદ કરવાની હતી. તેઓ સત્યાગ્રહ કરીને આઝાદી મેળવવા માગતા હતા. જ્યારે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોને તેમની જ ભાષામાં પાઠ ભણાવવા માગતા હતા. સુભાષજી કહેતા હતા કે કમજોર રાષ્ટ્રનું દુનિયામાં કોઇ સ્થાન નથી. નહેરુને પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે સુભાષચંદ્ર બોઝે જ બેસાડ્યા હતા.
બ્રિગેડિયર ચિકારાએ સુભાષચંદ્ર બોઝનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ગાંધીજીને ‘ ફાધર ઓફ નેશન ’નું બિરુદ બોઝે આપ્યું હતું. વિદેશમાં રહીને સુભાષચંદ્રએ કરેલી આઝાદ ભારતની ઘોષણાને નવ દેશોએ સ્વીકારી હતી.
નેતાજી સુભાષ સંગઠન બનાવાશે :
ભારતના ચાર રાજ્યોમાં નેતાજી સુભાષ સંગઠન બની ગયું છે. હવે ગુજરાત પ્રાંતનું સંગઠન બનશે. જે ટ્રસ્ટ હેઠળ જ હશે પરંતુ રાષ્ટ્રીયસ્તરના આ સંગઠનના વડા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બનશે. ટાગોરહોલમાં યોજાનારા કાર્યક્રમમાં આની વિધિવત જાહેરાત થશે તેમ બ્રિગેડિયર ચિકારાએ જણાવ્યું હતું.







