આંકલાવ રેલવે ફાટક પાસે મહિલાની હાલત કથળતાં કોઈ વ્યક્તિએ ૧૦૮ સેવાને જાણ કરી
સ્થળ પર દોડી આવેલી ટીમે તેમને સારવાર આપી
૧૦૮ની સેવા અને ટીમની કાબેલિયતથી એક પ્રસૃતા અને નવજાત શિશુનો જીવ બચી ગયો હતો. આંકલાવ રેલવે ફાટક પાસે જ ૧૦૮ની વાનમાં પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની પ્રસ્úતિ કરાવવામાં આવી હતી. કેસ ઘણો ગંભીર હોવા છતાં ૧૦૮ની ટીમ માતા અને બાળકનો જીવ બચાવવામાં સફળ રહી હતી.
આંકલાવ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઇંટોના ભઠ્ઠા પર મજૂરીકામ અર્થે પાંચ દિવસ અગાઉ એક દંપતિ યુપીથી આવ્યું હતું. ગુજરાતી ભાષાથી અજાણ બબલિબેનને એકાએક પ્રસૂતિની પીડા થતાં આંકલાવ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ બબલિબેન બીજા દિવસે આરોગ્ય કેન્દ્રમાં કોઈને પણ જાણ કર્યા વિના નીકળી ગયા હતા. તેઓ પોતાના ઘર સુધી પહોંચે તે અગાઉ ત્રણ કિલોમીટર દૂર આંકલાવ રેલવે ફાટક પાસે બબલિબેનને વધુ પીડા થતાં બેસી ગયા હતા.
બબલિબેનની હાલત જોઈને કોઈ અજાણી વ્યક્તિએ ૧૦૮ પર જાણ કરવામાં આવતાં ટીમ તુરંત સ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ના ઈએમઆઈ વિજયભાઇ પરમારે જણાવ્યું હતું કે ‘બબલિબેનને તપાસતા માલૂમ પડ્યું કે કેસ ઘણો ગંભીર છે. જેથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બાળક ઊધું હોવા સાથે ગળામાં નાળ વીટાયેલી હતી.
કેસ ગંભીર હોવા છતાં પ્રસૂતિ કરાવતાં જન્મેલા બાળકના હૃદયના ધબકારા ઓછા ધબકતાં હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જો બબલિબેનને તાત્કાલિક ૧૦૮ની સેવા મળી ન હોત તો બાળકનો જીવ જોખમમાં મુકાઇ જવાની સંભાવના હતી. જો કે માતા અને બાળકનો જીવ બચી જતાં અમે રાહતનો શ્વાસ લીધો હતો.’