પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ટીમે બાકરોલમાં દરોડો પાડી ૮૭ હજારનાં વિદેશી દારૂ સાથે કુલ ૧.૩૭ લાખનો મુદામાલ હસ્તગત કર્યો
આણંદ પાસેના બાકરોલ મલકેવાડીમાંથી બુધવારે મોડી રાત્રે વિદેશી દારૂનો કૂખ્યાત બુટલેગર તૌફિક મલેક વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પેરોલ ફર્લો સ્કવોડ ટીમના હાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસના જણાવ્યાં મુજબ વિદ્યાનગર પાસેના બાકરોલ ખાતે મહેબુબવાડામાં રહેતો તૌફિકમિંયા ફારૂકમિંયા મલેક છેલ્લાં કેટલાય સમયથી વિદ્યાધામ ખાતે વિદેશી દારૂનો વેપલો કરી યુવાધનને બરબાદ કરી રહ્યો હોવાની રજૂઆત પોલીસ અધિક્ષક આર.વી.અસારીને મળી હતી. જેના આધારે એસપીએ તપાસ કરાવતાં બુધવારે મોડી સાંજે તૌફિકે મારૂતિ ફ્રન્ટી કારમાં વિદેશી દારૂ મંગાવી બાકરોલ મલકેવાડી પાસે રાખ્યો હોવાની બાતમી મળી હતી.
આ બાતમી આધારે પોલીસ અધિક્ષકે પેરોલ ફર્લો સ્કવોડ પીએસઆઇ એમ.ડી.પુવાર અને સ્ટાફને રેઇડ કરવા સૂચના આપી હતી. જે આધારે ટીમે રાત્રિનાં સમયે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં તૌફિક મલેક ઝડપાઇ ગયો હતો. મારૂતિ ફન્ટી કાર નંબર જી.જે.૧.કે.૪૧૪૮ની તલાશી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂની ૨૧ પેટી(૩૦૦ બોટલ)મળી આવી હતી. પોલીસે ૮૭૬૦૦ રૂપિયાનો દારૂ તેમ જ ૫૦ હજારની કાર મળી કુલ ૧૩૭૬૦૦ રૂપિયાના મુદામાલ સાથે તૌફિકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.
પાસાની દરખાસ્ત કરવામાં આવશે
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બાકરોલ અને વિદ્યાનગરમાં વિદેશી દારૂની પ્રવૃતિ ચલાવી યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું હોવાની રજુઆતો થઇ હોઇ આ પ્રવૃતિ ચલાવતાં તૌફિક સામે પાસાની દરખાસ્ત કરવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.
તૌફિક બે દિવસના રિમાન્ડ પર
પીએસઆઇ એમ.ડી.પુવારના જણાવ્યાં મુજબ તૌફિક દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ માટે ગુરૂવારે મોડી સાંજે તેને રિમાન્ડ માટે આણંદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સુનાવણીના અંતે ન્યાયાધીશે તૌફિકના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.