ક્યા કારણોથી તેમણે રોગના નિદાનનું ક્ષેત્ર છોડીને અન્ય ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવ્યો ?
ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં હાલમાં જ યૂથ એન્ડ પેશન વિષય પર એક સેમિનાર યોજાયો હતો. કોર્પોરેટ ટ્રેનર ઋષિકુમાર પંડ્યાએ પેશન ફોલો કરવા બાબતે ચેન્નાઇના એવા એક ડોક્ટરનું ઉદાહરણ આપ્યું હતું કે જેમણે પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડીને બિઝનેસ કરવાનું પસંદ કર્યું હતું અને બાદમાં સફળ બિઝનેસમેન બન્યા હતા.
સિટી ભાસ્કરે પણ અમદાવાદમાં એવા ડોક્ટરો શોધી કાઢયા છે, જેમણે પોતાની ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડીને મનગમતું કામ પસંદ કર્યું છે. કોઇકે ફેમિલી બિઝનેસ જોઇન કર્યો છે, તો કોઇક માર્કેટિંગમાં માહેર ગણાય છે. ‘ડોક્ટર બની ગયા એટલે લાઇફ બની ગઇ’ એમ માનીને બેસી રહેવાના બદલે અન્ય ક્ષેત્રમાં ખેડાણ કરનારા ડોક્ટરોની વાતો અત્યંત રસપ્રદ છે.
જવાબદારીઓએ કર્યો મેડિકલથી દૂર
હાર્ડવેર શો-રુમ ધરાવતાં ડૉ. ભરત લિંબાસીયાને સર્જન થવું હતું.જોકે તેઓ સર્જન તો ન થઇ શક્યા, પરંતુ સફળ બિઝનેસમેન બની શક્યા છે. રોલેકસ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાર ડૉ. લિંબાસીયાએ કહ્યું હતું કે, હું મૂળ તો ક્રિકેટમાં આગળ વધવા માંગતો હતો. સ્કૂલની ટીમમાં એડમશિન ન મળતાં મેં ડોક્ટર બનવાનું નક્કી કર્યું હતું. મારા પિતાનો હેન્ડપંપનો બિઝનેસ હતો. હું મેડિકલ ભણવાની સાથે સાથે ગુજરાતભરમાં હેન્ડપંપ વેચવા માટે ફરતો હતો.
૧૯૮૬માં હું એમબીબીએસ થયો. ૧૯૮૮થી ૧૯૯૨ સુધી મેં ચારેક વર્ષ પ્રેક્ટિસ કરી. જોકે મારા પર સાત ભાઇ અને તેમના સંતાનોની જવાબદારી હોવાથી વચ્ચે મારે જામનગર જવું પડ્યું હતું. આ જવાબદારી મેડિકલ વ્યવસાયથી પૂરી થાય તેમ ન હોઇ મેં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું. ૧૯૯૬થી પ્રેક્ટિસ છોડીને હું ફુલટાઇમ બિઝનેસમાં લાગી ગયો. હું ક્લિનિકના જ એક ભાગમાંથી બ્રાસ પ્રોડકટનો વેપાર કરતો. જોકે મારું ક્લિનિક હજુ પણ છે.
એડમિશન ન મળવાથી બદલ્યું પ્રોફેશન
સ્કીન સ્પેશ્યાલિસ્ટ બનવા માંગતા ડૉ. હરેશ પટેલ હાલમાં કેમિકલ રેઝિસ્ટન્ટ મટીરિયલ્સનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરે છે. ડૉ. હરેશ પટેલે જણાવ્યું હતું કે, મારે પહેલેથી જ ડર્મેટોલોજિસ્ટ બનવું હતું. જોકે કરમસદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ થયા પછી ત્યાં પી.જી. કોર્સ શક્ય ન હતો. કારણ કે તે હજુ નવી કોલેજ જ હતી. પી.જી.માં એડમશિન લેવું હતું, પરંતુ ચામડીના રોગોના ડોક્ટર જ બનવું હતું.
બીજી બાજુ પિતાએ કહ્યું કે જો તને મનગમતી ફેકલ્ટીમાં એડમશિન ન મળે તો બિઝનેસમાં જોડાઇ શકે છે. જોકે મેં રાજસ્થાન હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી. મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા વી.એસ. હોસ્પિટલમાં પણ ચાન્સ લીધો. જોકે ક્યાંય વાત બની નહીં. બિઝનેસમાં પણ થોડો રસ લેતો. છેલ્લે પેશન્ટને ન્યાય નહીં આપી શકું તેવા વિચારે બિઝનેસમાં જ જોડાઇ ગયો. હાલમાં સ્વજનોની સારવાર ચાલુ જ છે, પરંતુ પ્રેક્ટિસ નથી કરતો. હાલમાં અમારી કંપની દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરે છે.
સ્વતંત્રતા માટે સ્ટોન બિઝનેસ પસંદ કર્યો
ઓપ્થોલ્મોલોજિસ્ટ બનવાને બદલે બિઝનેસમેન બની ગયેલા ડૉ.નંદીશ પટેલે પોતાની પેશનને અનુસરવા માટે અડધેથી જ અભ્યાસ છોડી દીધો હતો. ડૉ. નંદીશ પટેલે જણાવ્યું હતું કે, પરિવારમાં ઘરમાં એક ડોક્ટર હોવો જોઇએ તેવી લાગણી હતી. ખાસ તો માતાની ઇચ્છા હતી કે હું ડોક્ટર બનું. એનએચએલ મેડિકલ કોલેજમાં એડમશિન લીધું. એમબીબીએસ થયો. બાદમાં ઓપ્થોલ્મોલોજી સ્પેશ્યાલિટીમાં એડમશિન પણ લીધું.
જોકે મારા મનમાં બિઝનેસ વિશેના વિચારો જ ચાલતાં હતાં. ડોક્ટર બનીશ તો મને બિઝનેસ જેવી સ્વતંત્રતા નહીં મળે તેવું લાગતું હતું. એમડીના અભ્યાસના છ મહિના જ થયા હતા અને મેં અભ્યાસ અધૂરો છોડીને સ્ટોનના બિઝનેસમાં ઝંપલાવ્યું. આજે અમારી માર્બલ-ગ્રેનાઇટની માઇન્સ છે.