આકાશને માણવાની અને આ અચંબાઓ બતાવવાની પેશન ધરાવતો યુવક
સત્યાવીસ વરસનો તથાગત કશ્યપ તમારા હાથમાં બિલોરી કાચ પકડાવે છે. આ તો બિલોરી કાચ છે, એવું હજી તમે માંડ વિચારો ત્યાં એ નાનકડી ડબ્બીમાંથી કંઇક ચમકતું બિલોરી કાચમાં સિફતથી સરકાવે છે અને તમને તમારો ચહેરો દેખાવા માંડે છે. એ કહે છે, ‘જોયું હવે તમે ક્યારેય નહીં ભૂલો કે અરિસો બનાવવા માટે પારો વાપરવામાં આવે છે.’ ભૌતિક વિજ્ઞાનમાં તથાગતની નિપુણતા તમે ઝડપથી પારખી શકો. ખગોળશાસ્ત્રની એ વાત માંડે ત્યાં તમને અવકાશ અંગેના ભણેલા બધા જ પાઠ યાદ આવવા માંડે.
તથાગત ખગોળશાસ્ત્રનાં કેટલાય થોથાં ભણ્યો હશે એવો સવાલ તમારા મનમાં આવે એ પહેલાં જ એ કહે છે, ‘મેં દસમા ધોરણમાં ચાર વાર પરીક્ષા આપી અને બારમા ધોરણમાં આર્ટ્સમાં પણ હું નાપાસ થયો.’ તમારા આશ્ચર્યમાં વધારો કરતાં તરત જ એ કહે છે, ‘હું છેલ્લા દસ વર્ષથી આકાશ વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓને ટેલિસ્કોપથી તારા - ગ્રહો-ચંદ્ર વગેરે બતાવવાનું કામ કરું છું. જે નાનપણમાં મારો શોખ હતો એ જ હવે મારો વ્યવસાય છે.’ જો કે હાલ તથાગત અન્ય પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હોવાથી અવકાશદર્શન કરાવવાનું પોતાનું કામ મુલતવી રાખ્યું છે.
મોટેરાના રહેવાસી તથાગતના પિતા સિટી ગર્લ્સ કોલેજમાં શિક્ષક છે અને માતા ગૃહિણી છે. ભાઇ એડવોકેટ છે અને બહેન બાયોલોજીમાં ડબલ ગ્રેજ્યુએટ છે. પોતાની વાત માંડતા એ કહે છે, ‘મને પહેલેથી જ આકાશ જોવું, તારાઓ વિશે સાંભળવું ખૂબ ગમતું. મેં આ અંગે મળતું બધું જ મટીરિયલ વાંચી નાંખ્યું. સાતમા ધોરણમાં દસ-અગિયાર-બાર ધોરણના વિજ્ઞાનના પુસ્તકોમાં આવતી અવકાશી વિજ્ઞાનની વાતો લગભગ મોઢે જ કરી નાખી.’ એ ઉમેરે છે કે, ‘સમયાંતરે મને સમજાયું કે બાળકોને અને ઘણાં મોટાઓને પણ આ વિષયમાં ખૂબ રસ પડે છે પણ કેવી રીતે તારા જોવા કે ગ્રહો ઓળખવા એ નથી ખબર પડતી.
મેં ટેલિસ્કોપ ખરીધ્યું જેમાંથી ચંદ્રના ખાડાઓ, નિહારિકાઓ, શનિ અને શુક્રના ગ્રહો, વલયો અને પારખી ન શકાય એવા અવકાશી પદાર્થો સુધ્ધાં જોઇ શકાય છે. મારા ૮૦ એમ.એમ.નાં ન્યુટેનિયમ ટેલિસ્કોપથી મેં પહેલા મિત્રોને આકાશ દર્શન કરાવ્યું અને પછી જેમ જેમ લોકો સુધી વાત પહોંચતી ગઇ એમ હું પણ એમને ટેલિસ્કોપથી અવકાશી સફર કરાવતો ગયો.’
તથાગતે એના ટેલિસ્કોપથી રશિયા અને અમેરિકાના ઉપગ્રહોનો ટકરાવ જોયો છે અને લ્યુલન ધુમકેતુ પણ જોયો છે. એ કહે છે, ‘આકાશને માણવું અને લોકોને આ અચંબાઓ બતાવવા જ મારી પેશન છે. હું હજી પણ ઘણું નવું કરવા માગું છું જેની પર કામ ચાલ્યા કરે છે.’
ખગોળ શાસ્ત્રને જાણવું એ જ કારકિર્દી
તે શાળાઓમાં, સોસાટીઝ, બિલ્ડિંગ્ઝ અને ઓફિસીઝમાં પણ તેના આકાશ દર્શનના પ્રોગ્રામ કરે છે અને ખગોળશાસ્ત્રમાં કેવી રીતે સમજણ કેળવાય એ પણ શીખવાડે છે. ફ્રેન્ડઝ કલસ્ટર નામે શરૂ કરેલું મિત્રો સાથેનું તેનું ગ્રૂપ નજીવા મૂલ્યમાં આ કામ કરે છે. થોડા વર્ષો અગાઉ આઇઆઇએમ-એના પ્રો.અનિલ ગુપ્તાના સંપર્કમાં આવેલા તથાગતે કાશ્મીરની મુલાકાતનો મોકો મળ્યો.
ત્યાં વિદ્યાર્થીઓ જ નહીં પણ ભૌતિક શાસ્ત્રના વિદ્વાનો પણ તથાગત પાસેથી બ્રમાંડ અંગે ઘણું શીખ્યા. ભાવનગરની બળવંત પારેખ સાયન્સ સિટીમાં તથાગતે ખગોળ વિજ્ઞાન સમજાવતા મોડલ્સ પણ આપ્યા છે જે બાળકોમાં પ્રચલિત છે. સૂર્યગ્રહણ જોવા માટે ટેલિસ્કોપની સવલત ન હતી ત્યારે સતત નવું વિચારવાની ટેવ ધરાવતા તથાગતે મિણબત્તીથી પારદર્શક કાચને કાળો કરીને એની મદદથી સૂર્યગ્રહણ જોયું હતું.