ફાર્મ હાઉસના માલિકે પિતરાઇના લગ્ન માટે દારૂની પાર્ટી ગોઠવી હતી
પકડાયેલામાં બિલ્ડર અને વેપારીઓનો સમાવેશ
છ પીધેલા ભાગી છુટતાં શોધખોળ હાથ ધરાઈ
વડોદરા તાલુકાના અંપાડ ગામની સીમમાં વૃંદાવન ફાર્મ હાઉસમાં બુધવારે રાત્રે જિલ્લા પોલીસે છાપો મારી દારૂની મહેફિલ માણતા ત્રણ એનઆરઆઇ સહિત ૧૩ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે છ ભાગી છુટ્યા હતા. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વડોદરા તાલુકાના અંપાડ ગામની સીમમાં વૃંદાવન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની જિલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીરને બાતમી મળતાં સૂચના આધારે એલસીબી પીઆઇ જે.એન. પંચાલ અને તાલુકા પીએસઆઇ કાટકડ સહિતના સ્ટાફે બુધવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ફાર્મ હાઉસમાં છાપો માર્યો હતો.
ફાર્મહાઉસમાં હાજર ૧૦૦ થી વધુ લોકોને પોલીસે તપાસ્યા હતા. જે પૈકી દારૂની મહેફિલ માણતા ૧૩ ખાનદાની નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જે પૈકી રુષિત સંગ્રામભાઇ પટેલ અને પ્રતીક દિલીપભાઇ દેસાઇ સહિત ત્રણ એનઆરઆઇ, બિલ્ડર, વેપારી, માળી, વિદ્યાર્થી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે છ ભાગી છુટ્યા હતા. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની ૯૬ બોટલ, ૪૯ કાચના ગ્લાસ, બે મિક્સર, ૧૩ મોબાઇલ સહિત R ૪૪૭૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ફાર્મ હાઉસના માલિક નિખિલ અમીને તેના પિતરાઇ કરણના લગ્ન નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે ફાર્મહાઉસના માલિક સામે પણ ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે સહિતની તપાસ માટે રિમાન્ડની માગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
યુગાન્ડાથી સ્વર્ણિમ ગુજરાતમાં એમઓયુ સાઇન કરવા આવેલા કેટલાક એનઆરઆઈ સલવાયા
કરણ અમીનના લગ્નપ્રસંગે હાજરી આપવા યુગાન્ડા સહિત વિદેશમાંથી લગભગ ૮૦ પરિવારો આવ્યા હતા. જે પૈકીના કેટલાક તો સ્વર્ણિમ ગુજરાતમાં કરોડો રૂપિયાના રોકાણના એમઓયુ કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ધરપકડની કાર્યવાહી કરતાં હાજર લોકોએ એનઆરઆઇની પરમિટવાળી બોટલો તેમજ રિસીપ્ટ પણ બતાવી હતી. જોકે, પોલીસે તેને નજરઅંદાજ કરી ધરપકડ કરી હતી.
દરમિયાન ઉપસ્થિતો પૈકી કેટલાક લોકોએ તો એનઆરઆઇઓને ગુજરાતમાં રોકાણ કરવા સરકાર આમંત્રણો આપે છે, બીજી બાજુ પોલીસ પરમિટવાળા દારૂ સાથે પકડી હેરાન કરતી હોવાનો ગણગણાટ કરતા હતા.