NRI પણ મતદાર સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે
- મતદારયાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરતા ઓબ્ઝર્વર
ભારતના ચૂંટણીપંચ દ્વારા અમલી મતદાર સુધારણા કાર્યક્રમ - ૨૦૧૨ અંર્તગત ખેડા જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની રોલ નિરીક્ષક ઓમેશ મુન્દ્રાએ સમિક્ષા કરી હતી. નડિયાદ સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારી અને વિવિધ રાજકિય પક્ષોના પદાધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મુન્દ્રાએ તા. ૧ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનાર તથા તેની વધુ ઉંમરના વ્યક્તિઓ કે જેમનું નામ મતદાર યાદીમાં નથી તેવા પાત્રતા ધરાવનાર એકપણ મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહી જાય તેની ચીવટ રાખી મતદાર નામ નોંધણી અને મતદાર ફોટો ઓળખકાર્ડની કામગીરી સો ટકા પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
મુન્દ્રાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ -૨૦૧૨થી યુવા વર્ગ વંચિત ન રહી જાય તે માટે કોલેજની પ્રવેશ પ્રક્રિયા વખતે વિદ્યાર્થી પાસેથી એડમીશન ફોર્મની સાથે પુરાવારૂપે મતદાર ઓળખકાર્ડ ફરજીયાત રજુ કરવાનો આગ્રહ રાખવાનું સુચન કર્યું હતું. ખેડા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વિદેશમા વસતા નાગરિકોને પણ મતદાર સુધારણા કાર્યક્રમ-૨૦૧૨નો લાભ મળે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગેના સઘન પ્રયાસો સાથે બી.એલ.ઓ સાથછે જીવંત સંર્પક રાખી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૨ને સો ટકા સફળ બનાવવા અપીલ કરી હતી. મુન્દ્રાએ નડિયાદ તાલુકાના નરસંડા અને વડતાલ ગામના બુથોની મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી એમ.વી.પારગીએ જણાવ્યુ હતું કે, ખેડા જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિભાગોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ - ૨૦૧૨ અંર્તગત અત્યાર સુધીમાં ૯૦ ટકા ઉપરાંતની કામગીરી થઈ છે. તા. ૧૮ જુન ૨૦૧૨ સુધીમાં સો ટકા પૂર્ણ કરવામાં માટે બી.એલ.ઓ સાથે આંગણવાડી કાર્યકરો, સખી મંડળો, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ વગેરેનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.
આ બેઠકમાં ર્ાજકિય પક્ષોના આગેવાનો, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વલવી, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોએ ભાગ લીધો હતો. ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પુરી કરનાર તથા તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ કે જેમનું નામ મતદાર યાદીમાં નોંધવામાં આવેલ ન હોય તેવા લાયક મતદારોના નામ નોંધાવવા અંગે તથા નામ કમી કરવા અને સુધારા-વધારા કરવા માટે તા. ૧ જુનથી ૧૮ જુન સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૨ હાથ ધરવામાં આવેલ છે.






