- ૩૦ લાખથી એક કરોડ રૂપિયાની મોંઘી કારનો શોખ ધનિકોને પોસાય છે, પરંતુ તેના માટે વેટ અને ટેક્સ ચૂકવવાની તેમની તૈયારી હોતી નથી.
- ધનિકોની આ પ્રકારની માનસિકતા દૂર કરવા આરટીઓ વિભાગે કમર કસી છે. કારના ડીલરો અને ટ્રાફિક પોલીસની મદદથી આરટીઓ રાખશે...
ધનાઢ્ય્ અમદાવાદીઓને મોંઘી કાર વસાવવાનો શોખ જરૂર છે, પરંતુ આ શોખ જેટલી જ રોયલ તેમની માનસિકતા છે ખરી? કદાચ નહીં. કારણ કે, લાખો રૂપિયા ખર્ચીને લાવેલી કારના રજિસ્ટ્રેશન પાછળ થોડા પૈસા ખર્ચતા તેમનો જીવ ચાલતો નથી. પરિણામે શહેર અને રાજ્યના માર્ગોની શાન વધારતી અનેક લકઝુરિયસ કારોની નંબર પ્લેટ પર અન્ય રાજ્યોના પાસિંગવાળા નંબર જોવા મળે છે. જોકે, ધનિકોની આ નિર્ધન માનસિકતાને હાંકી કાઢવા માટે આરટીઓ સજ્જ થયું છે.
હવેથી આ કાર પર ટેક્સની વસૂલાત માટે આરટીઓ બાજનજર રાખશે. આ પાછળનું કારણ એટલું જ છે કે, ઘણા ધનિકોએ ટેક્સ બચાવવાની લાલચમાં રહેઠાણના પુરાવાઓમાં ગેરરીતિ આચરીને અન્ય રાજ્યનું પાસિંગ મેળવ્યું હોવાનું આરટીઓના સૂત્રો દ્રઢપણે માને છે. જો આ તર્કમાં સત્યાર્થતા હોય તો તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે.
માત્ર પાછલા બે વર્ષમાં અમદાવાદીઓએ રૂ.૨૦ લાખથી વધુ કિંમત ધરાવતી ૩૮૯ કાર ખરીદી હોવાનું આરટીઓમાં નોંધાયેલા આંકડા પરથી જણાય છે. અલબત્ત, આવી મોંઘીદાટ કારની કિંમત સીરઝિ પર નિર્ભર કરે છે. કારની ઓછામાં ઓછા કિંમત રૂ.૩૦ લાખથી માંડીને અમુક સીરઝિની રકમ તો કરોડને આંબી જાય છે. જોકે, લાખો રૂપિયાની કાર ખરીદનાર ઘણા વાહનચાલકો ટેક્સ તથા વેટ બચાવવા માટે અન્ય રાજ્યમાં પાસિંગ કરાવે છે.
ગુજરાતમાં આ લક્ઝુરિયસ કાર પર ૧૨ ટકા જેટલો ટેક્ષ તથા વેટ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ૪૦ લાખની કિંમતની કાર ખરીદવામાં આવે તો ૧૨ ટકા લેખે ૫ લાખ જેટલો તો માત્ર ટેક્ષ સરકારને ચૂકવવાનો થાય છે. માટે જ ટેક્સના નાણાં બચાવવાની લ્હાયમાં ઘણાં લોકો ગુજરાત બહાર કારનું પાસિંગ કરાવે છે. ત્યારે આરટીઓના અધિકારીનું એવું માનવું છે કે લાખો રૂપિયાની કાર ખરીદતાં લોકોમાં પણ ટેક્ષ નહીં ચૂકવવાની માનસિકતા પણ જોવા મળી છે. કેટલાંકે તો ટેક્ષ નહીં ભરવાની પ્રબળ માનસિકતાને પોષવા માટે જ કારનું પાસીંgગ પરપ્રાંતમાં કરાવવામાં આવે છે. અગાઉ ઓકટ્રોય બચાવવા માટે શહેરીજનો ગાંધીનગર અથવા તો સાણંદ વિસ્તારમાં રહેણાંક બતાવીને ત્યાં કારનું પાસિંગ કરાવતા હતા.
મોંઘીદાટ કાર ખરીદનારાની પણ આ માનસિકતાને ધ્યાનમાં લઇને આરટીઓ કચેરીએ આવી મોંઘીદાટ કાર પર બાજનજર રાખીને ટેક્ષ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવા કમર કસી છે. આ કામમાં ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવશે. એટલું જ નહીં, લક્ઝુરિયસ કાર ખરીદનારા લોકોની વિગતો મેળવવા માટે આરટીઓ વિભાગે કારના ડીલરોને સરક્યુલર પાઠવ્યો છે અને કાર ઓનર્સની ઝીણવટભરી વિગતો માગી છે. જો આ વિગતોની ચકાસણી દરમિયાન કોઇ કારચાલકે બોગસ દસ્તાવેજોના આધારે પરપ્રાંતમાં કારનું પાસિંગ કરાવ્યાનું પ્રકાશમાં આવશે તો કારચાલક અથવા ડીલર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
આ રીતે નજર રાખશે આરટીઓ
મોંઘીદાટ કારની ખરીદીમાં આચરવામાં આવતી કરચોરીને ડામવા માટે આરટીઓ વિભાગે તૈયાર કરેલી યોજના મુજબ સીઆરટીએમ ( ટેમ્પરરી રજિસ્ટ્રેશન- હંગામી નોંધણી ) થયેલી કારની સંખ્યા, કાર ખરીદનારા લોકોનો મોબાઈલ નંબર, રહેઠાણના પુરાવાની વિગતો એકઠી કરવામાં આવશે. એટલું જ નહીં, પરપ્રાંતમાં કારનું પાસિંગ કરાવનાર વ્યક્તિનું રહેણાક હકીકતમાં ક્યા સ્થળે છે તે અંગે પણ ખરાઈ કરવામાં આવશે અને કાર માલિકના રહેઠાણ તેમ જ ધંધાના સ્થળોએ પણ તપાસ કરવામાં આવશે. તેમ જ કાર માટેની બેંક લોન ઉપરાંત ડીલર ક્યા ક્ષેત્રમાં કારનું વેચાણ કરી શકે છે તેની વિગતો પણ મેળવવામાં આવશે.
ડીલરો શું કહે છે?
ઓડીના સિનિયર સેલ્સ મેનેજર ચિરાગ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં ૪૯૦ ઓડીકારનું વેચાણ કર્યું છે. ૧૦થી ૧૫ કારોમાં પરપ્રાંતનું પાસિંગ હશે, પરંતુ અન્ય સ્થળે કારની ડીલીવરી હાજર ના હોય અને તાત્કાલીક ગાડી છોડાવવી હોય તો તેવા લોકો જ અન્ય રાજ્યમાંથી કાર ખરીદે છે. અમદાવાદ આરટીઓમાંથી ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરાવીને જ અન્ય સ્થળે પાસિંગ થાય છે. કારના વેચાણ અંગેની વિગતો માંગતો કોઇ પત્ર તેમને આરટીઓ તરફથી મળ્યો નથી. બી.એમ.ડબલ્યુના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૦૯માં આશરે ૨૦૦ કારનું વેચાણ રાજ્યમાં થયુ હતું. ચાલુ વર્ષે તેના ૨૦-૩૦ ટકા કારનું વેચાણ થયું છે. રહેણાંકના દસ્તાવેજો વગર અન્ય રાજ્યમાં પાસિંગ શક્ય જ નથી. તેમને પણ આરટીઓ તરફથી કોઇ પત્ર મળ્યો નથી.
દર મહિને ૧૦૦ કાર નોંધાય છે, પરંતુ...
એક અંદાજ મુજબ શહેરમાં મહિને સરરેરાશ ૧૦૦ મોંઘી કારનું પાસિંગ થાય છે. જોકે, વેટ અને ટેક્સની રકમ બચાવવા ઘણા લોકો ચંદીગઢ, હરિયાણા, પંજાબ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કારનું પાસિંગ કરાવે છે. આ પ્રવૃત્તિ અટકાવવાના હેતુથી લકઝુરિયસ કારના ચાર ડીલરોને આરટીઓએ પત્ર પાઠવ્યા છે અને તેમની પાસેથી કાર ખરીદનાર વ્યક્તિઓ અંગે વિગતો માગી છે.
નોંધણીમાં ઇઝાઅગ્રેસર
૧લી એપ્રિલ-૦૮થી ૩૦-૧૦-૨૦૧૦ સુધીમાં અમદાવાદ આર.ટી.ઓ.માં ૨૦ લાખથી વધુ કિંમતની કારની નોંધણીના આકડાં મુજબ ૩૮૯ લકઝુરિયસ કારો નોંધાયેલી છે. તેમાં સૌથી અગ્રસ્થાન પર બી.એમ.ડબલ્યુ આવે છે. ત્યાર બાદ ઓડી-૧૦૩, મર્સીડીઝ-૧૧૯, બીએમડબલ્યુ-૧૨૨ તથા નિસાન-૩, મારૂતિ-૧૨, ઉપરાંત ફોગસવેગન-૨૨, એકોર્ડ-૪ વગેર કારનો સમાવેશ થાય છે.
‘આવા કારમાલિકો સામે ફોજદારી કાર્યવાહી થશે’
પ્રશ્ન : અમદાવાદ શહેરમાં ફરતી મોંઘીદાટ કારનું પાસિંગ પરપ્રાંતનું હોવા પાછળનું કારણ શું ?
જવાબ : ટેક્ષ અને વેટની ૧૨ ટકા રકમ બચાવવા માટે કારચાલકો દ્વારા આમ કરવામાં આવે છે.
પ્રશ્ન : આવી કેટલી કાર અમદાવાદમાં ફરતી હશે?
જવાબ : તેનો આંકડો હાલ અમારી પાસે નથી. પરંતુ તે મેળવવા માટે જ અમે ડીલરોને પત્ર પાઠવ્યો છે. તેમાં અનેક વિગતો માંગી છે. સાથોસાથ પરપ્રાંતના પાસિંગ ધરાવતી કારનું ચેકિંગ કરવા માટે ટ્રાફિક પોલીસને પણ પત્ર પાઠવીશું.
પ્રશ્ન : આવી કારચાલકો સામે શું પગલાં ભરાશે ?
જવાબ : વિગતોની ચકાસણી દરમિયાન જો બોગસ દસ્તાવેજોના આધારે અન્યત્ર પાસીંગ કરાવ્યાની હકીકત બહાર આવશે તો જવાબદાર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરાશે. તેમ જ તેમની પાસેથી દંડ તથા વ્યાજ લેવામાં આવશે.
- જે.એન. બારવાડિયા, આર.ટી.ઓ, અમદાવાદ શહેર
‘એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન’ સામે પણ ઝુંબેશ
ગુજરાતમાં એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર લગાવીને ફરતી કારના ચાલકો સાવધાન! કારણ કે, વાહનની નંબર પ્લેટ પર આ પ્રકારના સ્ટિકર લગાવીને ફરતા કારચાલકોને પકડીને તેમની સામે કાર્યવાહી હાથ ધરવા અમદાવાદ આરટીઓ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે વાહન ખરીધ્યા બાદ તેનો રજિસ્ટ્રેશન નંબર ન આવે ત્યાં સુધી કાર ચાલકો કામચલાઉ ધોરણે કારની નંબર પ્લેટ પર અથવા અન્ય સ્થળે ‘એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન’નું સ્ટીકર લગાવતા હોય છે, પરંતુ આ સ્ટીકર લગાવવું ગેરકાયદેસર છે. નિયમ મુજબ વાહનચાલકોએ સ્ટીકરના સ્થાને ટેમ્પરરી નંબર લગાવવો જોઈએ. જોકે, મહદ્અંશે આ નિયમનો ભંગ થતો હોવાથી અમદાવાદ આરટીઓ દ્વારા ‘એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશન’ સામે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
દમણની ૧૨ ગાડીઓની નોંધણી થઈ
અમદાવાદ આર.ટી.ઓ. ઝુંબેશ હાથ ધરે તે પહેલાં જ તાજેતરમાં જ અમદાવાદ આર.ટી.ઓમાં દમણમાંથી ખરીદેલી મોંઘીદાટ ૧૨થી ૧૩ કારની નોંધણી કરાવવામાં આવી છે. આ નોંધણીકર્તામાં સ્ટેશનરીના ધંધા સાથે સંકળાયેલાં એક ગ્રૂપે પોતાની સૌથી વધુ કારની નોંધણી કરાવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. આ બાબતને રચનાત્મક રીતે લઈને આગામી દિવસોમાં અન્ય રાજ્યોના પાસિંગવાળી લકઝુરિયસ કારોના ગુજરાતી માલિકો કર ભરવા પ્રેરાય તો નવાઈ નહીં.