અત્યંત પ્રતિષ્ઠિત એવો નોબેલ પ્રાપ્ત કરીને દુનિયાભરમાં જાણીતા બનેલા વેંકટરામન (વેંકી) આજે મોડી સાંજે અત્યંત સાદગીથી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. સાંજે ૬:૫૫ કલાકે આવેલી ફ્લાઇટના મોટાભાગના મુસાફરો એરપોર્ટની બહાર નિકળી ગયા બાદ છેલ્લે બહાર આવેલા વેંકી સાથે અન્ય કોઇ મિત્ર કે સ્વજન હતું નહીં. એરપોર્ટ પરથી વેંકી સીધા હોટલ તરફ રવાના થઇ ગયા હતા.
નોબેલ વિજેતા વેંકી પ્રથમવાર વડોદરા આવી રહ્યા હોવાથી યુનિ. સહિત શહેરભરમાં ભારે ઉત્તેજના વ્યાપેલી હતી. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી રહી ચૂકેલા વેંકીનું નામ નોબેલ મળ્યા બાદ વિશ્વભરમાં ગુંજતું થયું છે. તા. ૨૮મીના રોજ આયોજિત મ.સ. યુનિ. પદવીદાન સમારંભમાં માનદ્ ડિગ્રી સ્વિકારવા માટે વેંકી તા. ૨૬મીના રોજ વડોદરા પધારવાના હતાં.
વેંકીનું સ્વાગત કરવા માટે ઘણી સંસ્થાઓ સહિતના વ્યક્તિઓમાં ભારે થનગનાટ જોવા મળતો હતો. ત્યારે વેંકીએ યુનિ. સત્તાધિશોને ઇમેલ કરી જણાવ્યું હતું કે, હું તા. ૨૭મીના રોજ મારી જાતે જ યુનિ. કેમ્પસમાં આવી પહોંચીશ. અને ખાસ તો તા. ૨૬મી રાતે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા માટે કોઇએ આવવાની જરૂર નથી.’
આજે દિવસભર વેંકી વડોદરામાં ક્યારે પધારશે તે અંગે ભારે ઉત્તેજના વ્યાપી હતી. એક તબક્કે વેંકી તા. ૨૫મીના રોજ અમદાવાદ આવીને સીધા સાપુતારા પહોંચ્યા હોવાની ચર્ચા ઉઠી હતી. કારણ કે, વેંકીના પિતા અને ડૉ. સી.વી. રામકૃષ્ણન હાલ સાપુતારાની મુલાકાતે છે. સાંજે ૬:૪૦ કલાકે મુંબઇથી આવતી ફ્લાઇટ લગભગ ૬:૫૫ કલાકે હરણી એરપોર્ટ પર ઉતરી હતી.
આ ફ્લાઇટમાંથી એરપોર્ટ પર ઉતરેલા તમામ મુસાફરો ઉતરીને રવાના થઇ ગયા હતા. આખરે લગભગ સાડા સાત કલાકે એક અત્યંત સાદગીપૂર્વક ફોન પર વાતો કરતાં વેંકી એરપોર્ટની બહાર આવ્યા હતાં. હોટલ પર જવા માટે તેઓ ટેક્સી કે રિકશા શોધવા જતાં હતાં ત્યાં એક વ્યક્તિએ હોટલ જવા તેમને કારમાં લિફ્ટ આપી હતી.
સુરત. એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. સી.વી. રામકૃષ્ણન વિક એન્ડ ગાળવા સાપુતારા ખાતે પધાર્યા હતા. તેઓ તેમના મિત્ર હૈદરાબાદના ડૉ. આર.ટી. રવિ સાથે સાપુતારાની હોટલ સવશાંતિમાં રોકાયા હતા. તેઓ આજે સવારે ચેકઆઉટ કરીને તેમના મિત્ર સાથે નર્મદા ડેમની મુલાકાત લેવા નીકળી ગયા હતા.
હોટલ સવશાંતિના મેનેજર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરાથી તા. ૨૪થી ત્રણ નાઈટ માટે રૂમ નં. ૨૦૬ તથા ૨૦૭નું બુકિંગ કરવામાં આવ્યું હતું. તેઓ ૨૬મીની રાત્રે પણ સાપુતારા ખાતે રોકાવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ રવિવારે સવારે ચેકઆઉટ કરીને તેમના મિત્ર ડૉ. આર.ટી. રવિ સાથે નર્મદા ડેમની મુલાકાતે નીકળી ગયા હતા.
નોંધનિય છે કે, ડૉ. રામકૃષ્ણન સાથે સમય ગાળવા તેમનો પુત્ર નોબેલ વિજેતા પુત્ર વેંકી વડોદરા જતાં અગાઉ સાપુતારા પહોંચવાનો હોવાની અટકળો વહેતી થઇ હતી.