ગાંધીનગર શહેરમાં સરકારી આવાસોની ફાળવણી સહિતનું તમામ સંચાલન પાટનગર યોજના વિભાગ સંભાળે છે અને અહીં ખાનગી સંસ્થાઓને પણ સરકારી આવાસ ફાળવવામાં આવ્યા છે. પરંતુ વિરોધાભાસ એવો છે કે, પાટનગર યોજના વર્તુળ હસ્તકના જુદા જુદા વિભાગોમાં કાયમી રોજમદાર તરીકે નોકરી કરતા અને સરકારી આવાસોની જ જાળવણી કરવાનું કામ કરતા સેંકડો કર્મચારીઓને સરકારી આવાસો ફાળવવામાં આવતા નથી.
છેલ્લા ચાર દાયકાથી પાટનગરમાં સરકારી કર્મચારીઓને રહેણાકની સુવિધા આપવામાં આવે છે. તેના માટે વિવિધ કેટેગરીના આવાસ બનાવવામાં આવ્યા છે. તે પૈકીના અડધા જેટલા સરકારી આવાસો ખાલી પડયા છે. બીજી બાજુ સરકાર હસ્તકના જ પાટનગર યોજના વર્તુળના વિભાગોમાં ૧૦ વર્ષ કરતા વધુ સમયથી કાયમી રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને સરકારી આવાસો ફાળવવાના મામલે કોઇ નિર્ણય લેવાતો નથી.
જો ખાનગી સંસ્થાઓને સરકાર આવાસો ફાળવી શકતી હોય તો રહેણાકની સમસ્યા ભોગવતા પોતાના જ કર્મચારીઓને મકાન ફાળવવામાં સરકારને કઇ સમસ્યા આડે આવતી હશે તે એક પ્રશ્ન છે. ભૂતકાળમાં નિમ્ન કેટેગરીના ૨ હજાર જેટલા ખાલી સરકારી આવાસો કાયમી રોજમદારોને ફાળવવા અનેક રજૂઆતો કરવામાં આવ્યા પછી સરકારે પોતાના જ કર્મચારીઓની ઉપેક્ષા કરીને ખાલી સરકારી આવાસો ખાનગી સંસ્થાઓને ફાળવી દીધાં હતાં.
૧૦ વર્ષથી ઉપરના કાયમી રોજમદારોને વર્કચાર્જ ગણીને તેમને વર્કચાર્જ કર્મચારીના બેઝ પર પગાર ધોરણ આપવામાં આવે છે. તેઓ સરકારી આવાસ મેળવવા માટેના પ્રથમ હક્કદાર હોવા છતાં સરકારે ખાનગી સંસ્થાઓને આવાસોની ફાળવણી કરી દેતા રોજમદારોએ ઉંચા ભાડા ચૂકવીને ખાનગી આવાસોમાં કે, કાચા પાકા ઝૂંપડા બાંધીને રહેવું પડે છે.