હવે તમારા બાળકને કે.જી.માં પ્રવેશ અપાવવો હશે, તો પહેલા ફૂટપટ્ટીથી તેની ઉંચાઇ માપીને અને વજન કરાવીને શાળામાં લઇ જવા પડશે. અમદાવાદની કેટલીક શાળાઓએ જાતે ઘડેલા નવા નિયમો પ્રમાણે કે.જી.માં પ્રવેશ માટે બાળકનું વજન ૧૫ કિલોથી ઓછું અને ઊંચાઈ ૯૫ સે.મી.થી ઓછી ન હોવી જોઇએ. જો આ માપદંડ પ્રમાણે બાળક સક્ષમ નહીં હોય તો તેને પ્રવેશ નહીં મેળવી શકે. નિયત ધારાધોરણમાં ફિટ ન બેસતાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં ફાળવવાનો પણ નિર્ણય શાળાઓએ લીધો છે.
જુનિયર કે.જી.માં પ્રવેશ માટે બાળકનું વજન ૧૫ કિલોથી ૨૦ કિલોની વચ્ચે હોવું જોઈએ
બાળક માતા અને ઘરથી દૂર શાળામાં રહી શકવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ
અમદાવાદ શહેરની કેટલીક શાળાઓએ લીધેલો નિર્ણય
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી કે.જી.ની પ્રવેશ કાર્યવાહી શરૂ
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શાળામાં પ્રવેશ વખતે પહેલા બાળકની ઉંમર જ તપાસવામાં આવતી હતી, પરંતુ હવે બદલાતા સમય સાથે કે.જી.માં પ્રવેશ માટેના નિયમો પણ બદલાઈ રહ્યા છે. શહેરની પ્રતિષ્ઠિત શાળાઓ દ્વારા હવે બાળકોની ઉંમરની સાથે તેમના વજન અને ઉંચાઈને પણ પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે, જેથી પ્રવેશ વખતે નક્કી કરેલા ઊંચાઈ અને વજનના ધારાધોરણમાં ફિટ બેસતાં બાળકોને જ શાળાઓ દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
શાળાઓ દ્વારા કે.જી. માટે બનાવેલા નિયમમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે બાળકનું વજન ૧૫ કિલોથી ૨૦ કિલોની વચ્ચે હોવું જોઈએ. ઉપરાંત બાળકનું વજન ૯૫ સે.મી.થી ૧૧૦ સે.મી.ની વચ્ચે હોવું જોઈએ. આ નિયમમાં ફિટ આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ માટે માન્ય ગણાશે તેમ શાળાઓ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે. આ ઉપરાંત અગાઉના અન્ય નિયમો પણ યથાવત રાખવામાં આવ્યા છે. વક્રતા એ છે કે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ધોરણમાં કેજીનો સમાવેશ થતો નથી.
શાળાઓ દ્વારા બાળક તેમના નિયમમાં બાળક માતા અને ઘરથી દૂર શાળામાં રહી શકવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ તેમ પણ જણાવાયું છે. જુનિયર કે.જી. માટે પ્રવેશ લેનારા બાળકની ઉંમર સાડા ત્રણ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તેમ પણ નિયમમાં ઉલ્લેખ કરાયો છે. ગુરુકુળ રોડ પર આવેલી મહારાજા અગ્રસેન વિદ્યાલય દ્વારા પણ તેમના પ્રવેશના નિયમોમાં બાળકની ઉંમર ઉપરાંત વજન અને ઊંચાઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને નિયમમાં ઊંચાઈ અને વજનનાં ધારાધોરણો નક્કી કર્યા છે. આ અંગે શાળાનો સત્તાવાળાઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી કે.જી.ની પ્રવેશ કાર્યવાહી શરૂ
શાળાઓ દ્વારા કે.જી. માટેની પ્રવેશ કાર્યવાહીનો ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહથી પ્રારંભ કરવામાં આવશે. મોટા ભાગની શાળાઓ દ્વારા ડિસેમ્બર માસમાં ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને જાન્યુઆરી સુધીમાં પ્રવેશ પૂર્ણ કરી દેશે. જો કે અમુક શાળાઓ દ્વારા ડિસેમ્બરના અંતમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરાશે. શહેરની તમામ શાળાઓમાં જાન્યુઆરી અંત સુધીમાં કે.જી.ના તમામ એડ્મશિન પૂર્ણ થઈ જશે.
અન્ય ધોરણોની ખાલી બેઠકો અંગે એપ્રિલમાં કાર્યવાહી કરાશે
શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શાળાઓમાં કે.જી.ના પ્રવેશ તો જાન્યુઆરીમાં જ પૂર્ણ થઈ જશે, પરંતુ અન્ય ધોરણોમાં પણ પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં ધોરણ-૧થી ૭ સુધીમાં ખાલી પડનારી બેઠકોના આધારે શાળાઓ દ્વારા પ્રવેશ ફાળવવામાં આવે છે. જેના માટે શાળાઓ દ્વારા એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં ખાલી બેઠકો અંગેની યાદી પ્રસિદ્ધ કરી પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શાળાઓ દ્વારા ઘડાયેલા કેટલાક નિયમો
હાલના નિયમ.....નવા નિયમ
વજન : નથી......૧૫થી ૨૦ કિલો
ઉંચાઇ : નથી......૯૫થી ૧૧૦ સે.મી.