Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

સોહરાબકાંડનું ભૂત અમીનની કલમે ધૂણશે

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 3:36 AM [IST](21/08/2010)
 
 
 
 
 

અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક પ્રકાશિત કરવા અમીન પ્રયાસ કરશે

તાજનો સાક્ષી બનવાની જાહેરાત કરી ચૂકેલા સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરના આરોપી ડીવાયએસપી ડૉ. નરેન્દ્ર અમીન લેખક બનવા જઈ રહ્યા છે. જેલવાસ દરમિયાન અમીન ‘ ધ ઘોસ્ટ બિહાઇન્ડ ધ વેઇલ’ નામનું પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક સોહરાબુદ્દીનકાંડ અને તેની પત્ની કૌસરબીની હત્યા સાથે જોડાયેલા વણઉલ્લેખાયેલા તથ્ય પર આધારિત હશે. હાલમાં તો આ પુસ્તકનાં છેલ્લાં પાનાં લખાઈ રહ્યાં છે, પરંતુ જ્યારે આ પુસ્તક પ્રકાશિત થશે ત્યારે ખરેખર સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીની હત્યાનું ભૂત અમીનની કલમે ધૂણી ઊઠશે.

અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ પુસ્તકમાં અમીને સોહરાબુદ્દીનના અપહરણથી માંડીને તેના એન્કાઉન્ટર સુધીનાં તથ્યો તથા ત્યારબાદ કૌસરબીની હાલત અને તેની હત્યા અંગે અનેક ચોંકાવનારાં અધ્યાયો લખ્યાં છે. જેમાં અધિકારીઓ સાથેના સંવાદોથી માંડીને સોહરાબુદ્દીનને ખતમ કરવામાં રસ ધરાવનારા અનેકને ઉઘાડા પાડવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં અમીને જેલવાસ દરમિયાન પોતાના ખાટા-મીઠા અનુભવોને પણ ટાંક્યા છે. મળતી માહિતી મુજબ આ પુસ્તકનાં અમુક પાનાં લખવાનાં હજી બાકી છે. લખાયા બાદ આ પુસ્તકને અમીન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. નરેન્દ્ર અમીને સીબીઆઇ માટે રાજનો સાક્ષી બનવાની ઇચ્છા દર્શાવતી અરજી અદાલતમાં કરી છે. જેના સખત વિરોધ અન્ય આરોપીઓ કરી રહ્યા છે. આ અરજીની સુનાવણી આગામી ૨૬મી ઓગસ્ટે થવાની છે. આવામાં અમીન પુસ્તક લખી રહ્યા હોવાના સમાચાર જેલની બહાર આવતાં સોહરાબુદ્દીન કાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને હમણા સુધી જેમનાં નામ કે પછી ભૂમિકાનો કોઈ ઉલ્લેખ નથી તેવાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે અગાઉ ડૉ. નરેન્દ્ર અમીનને સોહરાબુદ્દીન કાંડના અન્ય આરોપીઓની સાથે સરદાર પટેલ બેરેકમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ એપ્રૂવર બનવાની જાહેરાત કરતાં સીબીઆઇએ તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં હાલમાં તેમને વીર ભગતસિંહબેરેકમાં રાખી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કુલદીપ શર્માની સોમવાર સુધી ધરપકડ ન કરવા આદેશ

કચ્છના ૧૯૮૪ના એન્કાઉન્ટર કેસમાં કુલદીપ શર્માને વધુ એક વખત રાહત મળી છે. આ કેસમાં આઇપીએસ ઓફિસર કુલદીપ શર્માની સોમવાર સુધી ધરપકડ ન કરવા માટે ન્યાયમૂર્તિ આર. એચ. શુક્લએ આદેશ કર્યો છે. રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવી રહ્યો હોવાથી તેમની સામેની ફરિયાદ રદ કરવા કુલદીપ શર્માએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરી હતી.

આ અંગેની સુનાવણી દરમિયાન શુક્રવારે ફરિયાદી જુસબ મોખાએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેમને હાઇકોર્ટની નોટિસની જાણ હજુ ગઇકાલે જ થઇ છે ત્યારે તેમને જવાબ આપવા માટે સમય આપવો જોઇએ. બીજી તરફ શર્મા તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે જ્યાં સુધી તેઓ જવાબ રજૂ કરે ત્યાં સુધી તેમની ધરપકડ ન કરવાનો ઓર્ડર પણ લંબાવવો જોઈએ.

ઇશરત કેસમાં ઓર્ડરની પુન: સમીક્ષા માટે હાઇકોર્ટમાં રિટ

ઇશરત કેસમાં હાઇકોર્ટે ગોધરાકાંડની તપાસ ચલાવતી સીટને તપાસ સોંપવાના હુકમની પુન: સમીક્ષા કરવા જાવેદ શેખના પિતા ગોપીનાથ પીલ્લાઇ દ્વારા રિટ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે પણ ગુરુવારે સીટને આ તપાસ સોંપવા સામે પ્રશ્નાર્થ સર્જ્યો હતો. પીલ્લાઇએ એવી રજૂઆત કરી છેકે આ કેસમાં પોલીસ દ્વારા જાવેદનું એન્કાઉન્ટર નહીં પણ તેની હત્યા થઇ છે. તેથી આ કેસની તપાસ સીબીઆઇને તબદીલ કરવી જોઇએ.

બેલેસ્ટિક રિપોર્ટની નકલ, ઇન્કવેસ્ટ રિપોર્ટ, પોસ્ટમોર્ટમનો સંપૂર્ણ રિપોર્ટ, વાહન તથા સ્થળને લગતો ક્રાઇમ સીનનો રિપોર્ટ તથા કારમાંથી મળી આવેલી વસ્તુઓનો અહેવાલ પણ આપવા રાજ્ય સરકારને આદેશ કરવા દાદ માગી છે.

રાજસ્થાનના ચાર પોલીસકર્મીના વધુ બે દિવસના રિમાન્ડ

તુલસીરામ પ્રજાપતિના કથિત બોગસ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા રાજસ્થાનના ૪ પોલીસ કર્મચારી કરતારસિંહ, નારાયણસિંહ, યુદ્ધવીરસિંહઅને દલપતસિંહના ૧૦ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર. કે. પટેલે તેઓને શુક્રવારે દાંતા કોર્ટમાં રજુ કર્યા હતા. અને આરોપીઓના નાકોર્ટેસ્ટની મંજુરી માટે અરજી કરી હતી, જે દાંતા કોર્ટે ફગાવી દીધી હતી પણ આરોપીઓની વધુ પૂછપરછ માટે બે દિવસના વધુ રિમાન્ડ મંજુર કર્યા હતા.

સોહરાબ કેસનાં નાણાં ટ્રસ્ટ મારફતે ચૂકવાયાં

સોહરાબ કેસમાં સીબીઆઇની છ સભ્યોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધામા નાંખ્યા છે. સુરતસ્થિત માર્બલના એક મોટા વેપારીએ ટ્રસ્ટ દ્વારા રાજસ્થાનથી પાંચ કરોડ રૂપિયા મેળવ્યા બાદ જે તે વ્યક્તિને પહોંચાડ્યા હતા. ઉપરાંત અન્ય કેટલાક માર્બલના વેપારીઓ પાસેથી સોહરાબુદ્દીને ખંડણી વસૂલી હોવાની માહિતી અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનમાં માર્બલની મોટી ખાણ ધરાવતા વેપારી ૭૮ વર્ષે જેલમાં જવા માગતા ન હોવાથી સીબીઆઇથી ભાગી રહ્યા હોવાનું નજીકનાં વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.