ફૂટપાથમાં પીળા જયપુરી અને ગુલાબી ધોલપુરી પથ્થર બિછાવાશે
સચિવાલય સંકુલમાં અનેકવિધ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત અહીં હરિયાળીનું નવેસરથી વ્યવસ્થાપન થઇ રહ્યું છે તેની સાથોસાથ મનોહારી ફૂટપાથ બનાવવામાં આવશે.
ફૂટપાથમાં સચિવાલય વિસ્તારમાં પીળા રંગના જયપુરી અને વિધાનસભા વિસ્તારમાં ગુલાબી રંગના ધોલપુરી પથ્થર બિછાવાશે. વિધાનસભાના પગથિયા નજીકથી સીધા જ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિમા પાસે જવાય તે પ્રકારે વોક-વે બનાવવામાં આવશે. ઉપરાંત આસપાસ રંગબેરંગી ફૂલછોડ, સુશોભનના વૃક્ષોની હારમાળા કરાશે.
સચિવાલય સંકુલમાં બ્લોક નં.૧ પાસેના હયાત ફુવારાને હટાવી દઇને ત્યાં નવેસરથી નવી ડિઝાઈનના ફૂવારા બનાવવામાં આવશે. આ ઉપરાંત તેની આગળ આકર્ષક લેન્ડ સ્કેપિંગ અને લોન બનાવવાની સાથોસાથ રંગબેરંગી ફૂલછોડ ઉગાડવામાં આવશે.
બીજી બાજુ એટલે કે, બ્લોક નં.૧૪ સામે ફૂવારા નથી. તે જગ્યાએ નવો ફૂવારો બનાવવાનો નિર્ણય લેવાયો છે. સંકુલમાં આવેલા તમામ વૃક્ષોને યથાવત રાખવાનું પણ નક્કી કરાયું છે. સમગ્ર યોજના પૂરી થયા પછી સચિવાલય સંકુલનો નજારો બદલાઇ જશે.