ગાંધીનગર શહેરમાં સેક્ટર-૭ અને સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન ઉપરાંત ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. ઇન્ફોસિટી કોમ્પ્લેક્સમાં જ પીઆઇ કક્ષાનું ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને એક પીઆઇને પોલીસ સ્ટેશનનો હવાલો પણ સોંપ્યો છે.
ગાંધીનગર શહેરમાં ઇન્ફોસિટી કોમ્પ્લેકસમાં પીઆઇ કક્ષાનું પોલીસ સ્ટેશન આગામી થોડા મહિનાઓમાં કાર્યરત થઇ જશે. રાજ્ય સરકારે રાજ્યભરમાં નવા પોલીસ સ્ટેશન બનાવવા માટે મંજૂરી આપ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં ગૃહ વિભાગે ગાંધીનગરમાં નવું ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે અને પોલીસના વાહનો સાથે પોલીસ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ પણ મંજૂર કરી દીધો છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા પિયુષ પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો વધારાના હવાલો એસઓજી પીઆઇ મુકેશ સોલંકીને સોપ્યો છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનીને તૈયાર થતા હજી વાર લાગશે પરંતુ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્ફોસિટી કંપનીએ ઇન્ફોસિટી કોમ્પલેકસમાં જ નવુ પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા ફાળવી આપવા તૈયારી બતાવી છે.
આ અંગે ટૂક સમયમાં દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે. ઇન્ફોસિટીમાં પોલીસ સ્ટેશન બની જતાં સેક્ટર-૭ પોલીસ સ્ટેશન પરનું કામનું ભારણ ખૂબ જ ઘટી જશે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પીઆઇ કક્ષાનું હોવાથી ઓછામાં ઓછા ચાર પીએસઆઇ તેમજ અન્ય કર્મચારીઓનો સ્ટાફ રહેશે. આ વિસ્તારમાં ઇન્ફોસિટીથી માંડીને કોબા પાટીયા સુધીનો તેમજ ગાંધીનગર સરખેજ હાઇ-વે પર ઉવારસદ પાટીયા સુધીનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે.