શહેરના સેક્ટરોના વિસ્તારમાં મકાનોની ખૂબ મોટી અછત છે
રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગાંધીનગર શહેરના વિકાસની સાથે રહેણાકની સુવિધાઓ વધારવા કવાયત શરૂ કરી છે. મહાપાલિકામાં હવે જમીન બચી નથી. તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારમાં રેસિડેન્સીયલ ઝોન વિસ્તારવાના ચક્રો ગતિમાન કરાયા છે અને નવા બનનારા વિકાસ નકશામાં આ બાબત સમાવી લેવાશે.
શહેરમાં રાહતદરના પ્લોટની સંખ્યા પણ ઘટતી જાય છે અને રહેણાક કે, વાણિજ્ય હેતુના પ્લોટની હરાજી થતી નથી. પરિણામે પાટનગરમાં જમીન મકાનના ભાવો અન્ય શહેરોની સરખામણીએ ઘણા વધુ ઊંચકાયેલા રહે છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ વર્ગ પોતાના મકાનનું આયોજન પાટનગરમાં કરી શકે તેમ નથી. એક સર્વે મુજબ ગાંધીનગરમાં મકાનોની મોટી અછત છે. જોકે, હવે ગાંધીનગરમાં વિકાસની સાથે રહેણાકની પૂરતી ઉપલબ્ધી પર ભાર આપવામાં આવી રહ્યો છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરના સેકટર-૧થી ૩૦માં નવા આયોજન માટે જમીન નહીં હોવાનું સ્પષ્ટ કરી દેવાયું જ છે ત્યારે રહેણાક વિસ્તાર વધારવા માટેનો આધાર ગુડા વિસ્તાર ઉપર જ છે. ત્યાં જ રેસિડેન્સીયલ ઝોન વિસ્તારવાનો નિર્ણય શહેરી વિકાસ વિભાગે કરી દીધો છે. તેની જાહેરાતો પણ થઇ ગઇ છે. તેથી ગુડાની નવી ટીપી સ્કીમોમાં રહેણાક ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
આગામી દસ વર્ષ માટેના ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના નવા વિકાસ નકશામાં આ બાબતે વિશેષ ભાર મુકાશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના વિસ્તારમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ સૌથી વધુ છે જ તેની સાથે રહેણાક માટે ખાસ ઝોન ઊભો કરાશે.