અમદાવાદનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ગમે તે ભોગે ૧લીથી ‘યુઝ ટુ’ તો કરી દેવાયું પરંતુ આ અધ્યતન એરપોર્ટના લાભથી મુસાફરો હજુ પણ વંચિત રહે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. કેમ કે નવા એરપોર્ટનો ઉપયોગ અત્યારે માત્ર પ્લેનના ‘પાર્કિંગ’ માટે થશે. જ્યારે કે ચેક-ઇન સહિતની પ્રક્રિયા માટે મુસાફરોને જુના ટર્મિનલે જ લઇ જવાશે. એટલે કે ઊડવાનું નવા એરપોર્ટથી અને ચેક-ઇન થશે જુના એરપોર્ટથી! એટલું જ નહીં ઇમિગ્રેશન પણ મેન્યુઅલી કરવું પડે તેવી શક્યતા પણ સૂત્રોએ જણાવી હતી.
સતત પંદર દિવસથી ચર્ચા, વિવાદ અને દબાણમાં રહેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓથોરિટી દ્વારા વિમાની સેવાઓ તો શરૂ કરી દેવાઇ છે, પરંતુ હજુ સુધી સમગ્ર ચિત્ર અસ્પષ્ટ લાગી રહ્યું છે.
એરપોર્ટને ૧૫મીથી સંપૂર્ણપણે ચાલુ કરવાની જાહેરાતનું પડીકું વાળ્યાં બાદ ૧લી સપ્ટેમ્બરે પણ માત્ર ટ્રાયલ બેઇઝ પર હવાઇ સેવાઓ શરૂ કરાઇ છે. એરપોર્ટ ડાયરેક્ટર અનુજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘૧લીની રાતથી નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રાયોગિક ધોરણે હવાઈસેવાઓ શરૂ કરાઇ છે. જેમાં ૧-૩૦ કલાકે એર ઇન્ડિયાની અમદાવાદ-ફ્રેન્કફર્ટ ફ્લાઇટનું ડિપાર્ચર અને ૪-૩૦ વાગ્યે કતાર એરવેઝની દોહા ફ્લાઇટનું એરાઇવલ નવા એરપોર્ટ પરથી કરાશે.’
એરલાઇન્સનાં સૂત્રોથી મળતી માહિતી મુજબ હાલના સંજોગોમાં ઇન્ટરનેશનલ પેસેન્જરો નવા એરપોર્ટનો માત્ર આવવા-જવા માટે જ ઉપયોગ કરી શકશે.
પ્લેનમાં બેસવા માટે તેઓ નવા એરપોર્ટમાં આવશે અને તેમને ચેક-ઇન, બોર્ડિગ પાસ વગેરેની પ્રક્રિયા જુના એરપોર્ટમાં જ પતાવી પડશે. કેમ કે આ નવા ટર્મિનલમાં હજુ સુધી ચેક-ઇન કાઉન્ટરો પણ ગોઠવાયાં નથી. એટલું જ નહીં ઇમિગ્રેશન પણ મેન્યુઅલી થાય તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે. જેના લીધે લાંબી મુસાફરી કરનારા પેસેન્જરોના બેથી ત્રણ કલાક વધુ બગડશે.
જન્માષ્ટમીના શુભ અવસરથી નવા એરપોર્ટનો ઉપયોગ થઇ રહ્યો છે, તે ખુશીની વાત છે. પરંતુ મુસાફરો નવા એરપોર્ટ પરથી કોઇ સુવિધા નહીં મેળવી શકે તે દુખદ છે. એરપોર્ટ તંત્રે તાકીદે તમામ સુવિધા અને વ્યવસ્થા નવા એરપોર્ટ પર ગોઠવવી જોઇએ.’
એરપોર્ટ માટે ‘ઉપરથી’ દબાણ કરાતાં મોડી રાત સુધી ઓથોરિટીના અધિકારીઓ ખડે પગે રહ્યા
નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈસેવાઓ ઝડપથી શરૂ કરવા માટે ઉપરથી ખૂબ જ દબાણ થઈ રહ્યું હોવાથી હાલ અપૂરતી વ્યવસ્થા વચ્ચે પણ તેને શરૂ કરી દેવાયું છે. જેથી ફ્લાઇટની ઉડાનમાં કોઈ મુશ્કેલી ન સર્જાય કે કોઈ અન્ય વિઘ્ન ન નડે તે માટે ઓથોરિટીના તમામ મોટા અધિકારીઓ મોડી રાત સુધી ખડે પગે રહ્યા હતા.’