અમિત જેઠવાનો હત્યા કેસ ક્રાઇમબ્રાન્ચને સોંપાયા બાદ જુનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની આકરી પૂછપરછ હાથ ધરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સાંજે ચારેક વાગ્યે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની એક ટીમ કોડીનાર ખાતે શિવા સોલંકીના ઘરે પહોંચી હતી અને તેમને લઈને મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી.
આ અગાઉ પણ તેનું નિવેદન લેવાયું હોવાની પોલીસબેડામાં ચર્ચા છે. હાલમાં ક્રાઇમબ્રાન્ચ જુનાગઢના સાંસદ દીનુ બોઘાની સંડોવણી અંગે ના પાડે છે, પરંતુ મોટા ભાગના પોલીસ અધિકારીઓને ક્રાઇમબ્રાન્ચની આ થિયરી ગળે ઉતરતી નથી. તેમનું માનવું છે કે અમિત જેઠવાની હત્યા રાજકીય રીતે પ્રેરિત છે, જેમાં ક્રાઇમબ્રાન્ચ ભીનું સંકેલી રહી છે. આ ઉપરાંત બહાદુરસિંહે પણ જેઠવાને અગાઉ ધમકી આપ્યાની વિગત બહાર આવી છે.
પ્રેમમાં અંધ શૈલેષે બનાસકાંઠામાં બે વાર ગોળીબાર કર્યો હતો
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ પંડ્યા સ્થાનિક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. જો કે શિષ્યવૃત્તિની ચોરી કરતાં રંગેહાથ પકડાઈ જતાં તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. આ સમયગાળા દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જેમાં તકરાર થતાં તેણે બે વાર ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ તે લૂંટ કેસમાં પણ સંડોવાયેલા હતો.
બહાદુરસિંહ વોલીબોલનો રાજ્યકક્ષાનો ખેલાડી હતો
અમિત જેઠવાની હત્યામાં અટકમાં લેવાયેલા ગીરગઢડાનો પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર વોલીબોલનો રાજ્યકક્ષાનો ખેલાડી હતો. તે ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં રહીને અમદાવાદમાં જ અભ્યાસ કરતો હતો. ૧૯૯૯માં તે પોલીસ ફોર્સમાં જોડાયો ત્યારે સૌપ્રથમ તેને ધંધૂકા મૂકવામાં આવ્યો હતો. ત્યાં તેનો પરિચય હાજી સાથે થયો હતો.
આ હાજીએ જ અમિત જેઠવાની હત્યા માટે બજાજ ડિસ્કવર બાઈક ચોરી કરીને તેને આપી હતી. ધંધૂકાથી તેની બદલી કોડીનાર થઈ હતી. ત્યાં તે દિનુ બોઘાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકી માટે કામ કરતો થયો હતો. ગીરમાં ચાલતા ગેરકાયદે ખનન અંગે તે દિનુ બોઘાનું કામ જોતો હતો.
બહાદુરસિંહ રાજકીય હસ્તીના ફાર્મ હાઉસ પરથી પકડાયો?
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિનુ બોઘાના ખાસ માણસ મનાતા કોન્સ્ટેબલ બહાદુરસિંહને જુનાગઢ નજીક આવેલા એક રાજકીય હસ્તીના ફાર્મ હાઉસ પરથી ઝડપી પડ્યો હતો. જો કે આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર રીતે કાંઈ પણ કહેવાનું ટાળ્યું છે.
શૈલેષ પંડ્યાને એક રાજકારણીએ પેરોલ અપાવ્યા હતા?
બનાસકાંઠાના સૂઈ ગામનો વતની શૈલેષ પંડ્યા હત્યાના એક કેસમાં જેલમાં હતો. એવું ચર્ચાય છે કે શૈલેષ પંડ્યાએ જેલમાંથી પેરોલ મળ્યા બાદ તેણે અમિત જેઠવાની સોપારી ફોડી હતી. આ પેરોલ અપાવવામાં એક મોટા ગજાના રાજકારણીનું નામ પણ પોલીસબેડામાં ચર્ચાને ચકડોળે છે.
અમદાવાદના એક ડીવાયએસપી, પીઆઇ અને કોન્સ્ટેબલ પર શંકા
સૌરાષ્ટ્રનાં પોલીસવર્તુળોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ત્યાંના જ એક પોલીસ ઇન્સપેક્ટરની પણ અમિત જેઠવા હત્યા કેસમાં શંકાસ્પદ ભૂમિકા છે. હંમેશાં ક્રીમ પોસ્ટિંગ ભોગવતા આ ઇન્સપેક્ટરને રાજકીય પીઠબળ ધરાવતા ખનીજ માફિયા સાથે ગાઢ સંબંધો છે અને તેના કારણે જ તેઓ હંમેશાં સારી જગ્યાએ તહેનાત હોય છે.
બીજી બાજુ અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલે પણ બહાદુરસિંહને મદદ કરી હોવાની ચર્ચા પોલીસબેડામાં છે. રાજકીય પીઠબળ ધરાવતા ખનીજ માફિયાઓ માટે બહાદુરસિંહઅને સંજય જુનાગઢના તડ ચેકપોસ્ટ પર બેસી રહેતા હતા અને દરેક ગતિવિધિઓની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા.