દેશમાં સૌથી વધુ ગેસનો વપરાશ ગુજરાતમાં થાય છે, એટલે અન્ય રાજ્યોને નહિવત્ અને ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતા
કેન્દ્ર સરકારે કુદરતી ગેસ ઉપર લેવાતા વેટના દરમાં ઘટાડો કરી શકાય એ માટે તેને 'ડિકલેર્ડ’ ગેસની યાદીમાં સામેલ કરવાની હિલચાલ શરૂ કરી છે. આ માટે તમામ રાજ્યોના અભિપ્રાય પણ મેળવાઇ રહ્યો છે. જો કે કેન્દ્રના આ પગલાંથી કુદરતી ગેસ ઉપર વાર્ષિક R ૩પ૦૦ કરોડની વેરા (વેટ)ની આવક મેળવતાં ગુજરાતને વાર્ષિક રૂ.૨૦૦૦ કરોડનું નુકસાન થવાની શક્યતાને પગલે ગુજરાત સરકારે કેન્દ્રની આ હિલચાલનો વિરોધ કર્યો છે.
રાજ્ય નાણાઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલે કેન્દ્ર સમક્ષ એવી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં હાલ કુદરતી ગેસ ઉપર ૧પ ટકાના દરે વેટ-વેરો વસૂલ કરાય છે અને 'ડિકલેર્ડ-ગુડ્સ’ની યાદીમાં સામેલ કરાયેલી વસ્તુઓ ઉપર માત્ર પ ટકાના દરે વેટ-વેરો વસૂલ કરી શકાય છે, એટલે કે હાલમાં ગુજરાત કુદરતી ગેસમાંથી વાર્ષિક આશરે રૂ.૩પ૦૦ કરોડની મહેસૂલી આવક થાય છે, જે ગુજરાતની કુલ મહેસૂલી આવકના ૧પ ટકા જેટલી છે.
જો કુદરતી ગેસને ડિકલેર્ડ ગુડ્સની યાદીમાં સામેલ કરાય તો તેનાથી તેના ઉપરનો વેટનો દર ઘટે અને ગુજરાતની વેટની આવકમાં આશરે ૨૦૦૦ કરોડનો ઘટાડો થાય. દરેક રાજ્યોની વેરાની આવક તેની વિકાસ યોજનાઓ માટે વપરાય છે અને જો આ રીતે વેરાની આવકમાં ધરખમ ઘટાડો કરાય તો ગુજરાત માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.
તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં દેશમાં સૌથી વધુ કુદરતી ગેસનો વપરાશ થાય છે, જ્યારે ગુજરાત સિવાયનાં અન્ય તમામ રાજ્યોની કુદરતી ગેસના વપરાશમાંથી થતી વેરાની કુલ આવક માત્ર ૧૭૦૦ કરોડ જેટલી છે, એટલે કેન્દ્રના આ નિર્ણયથી તેમને કોઈ મોટું આર્થિક નુકસાન થવાનું નથી. ગુજરાતને ખૂબ જ મોટી રકમ ગુમાવવી પડતી હોવાથી તે તેનો વિરોધ કરે છે.
ગુજરાતનો વાંધો શું છે...
કુદરતી ગેસ ઉપર ગુજરાતમાં ૧પ ટકા વેટ વસૂલાય છે અને તેનાથી ગુજરાતને ૩પ૦૦ કરોડની આવક થાય છે. જો કુદરતી ગેસને ડિકર્લેડ ગુડ્સની યાદીમાં સામેલ કરાય અને તેના ઉપર પ ટકાના દરે વેટ વસૂલાય તો તેનાથી ગુજરાતને માત્ર ૧પ૦૦ કરોડની જ વેરાની આવક થાય. જેના કારણે રાજ્યનું બજેટ જ વેરવિખેર થઈ જાય તેમ હોવાથી ગુજરાતે તેનો વિરોધ કર્યો છે.
નુકસાની કોણ ભરપાઈ કરે ?
કેન્દ્રનાં કોઈ પણ નિર્ણયથી રાજ્યોની વેરાની આવકમાં ઘટાડો થાય તો તેટલી રકમ કેન્દ્ર દ્વારા વળતર પેટે જે-તે રાજ્યોને ભરપાઈ કરવાની નીતિ છે. જો કુદરતી ગેસને ડિકલેર્ડ ગુડ્સની યાદીમાં સામેલ થતાં વેરાનો દર ઘટે અને રાજ્યોની આવકમાં ઘટાડો થાય. આ ઘટાડા જેટલી રકમ રાજ્યોને ચૂકવવાની જવાબદારી કેન્દ્રએ સ્વીકારવી જોઈએ એમ તમામ રાજ્યો માને છે.