નવા નરોડામાં પત્ની, બે બાળકો સાથે સામૂહિક આપઘાત કરતા પહેલાં રાજેશભાઇ ઉનાકરે અંતિમચિઠ્ઠીમાં ઠાલવેલી વેદના હચમચાવી મુકે તેવી છે. તેમાં લખ્યું હતું કે, ‘અમારા મોત માટે પરિવારનાં કોઇ જ સભ્યો જવાબદાર નથી, તેમને પરેશાન ન કરતા.
મારા પર ૨૫ લાખ રૂપિયાનું દેવું હતું, જેના માટે તાંત્રિક વિનોદ નાયક જવાબદાર છે, તેને પકડીને યોગ્ય શિક્ષા કરજો’. આ સાથે તેમણે ચિઠ્ઠીમાં સંબંધીઓનાં નામ અને ફોનનંબર દર્શાવી લખ્યું હતું કે,‘અમારા મોત બાદ આમને જાણ કરજો.’ પોલીસે આપઘાત માટે જવાબદાર મનાતા તાંત્રિક વિનોદને પકડવા સઘન તપાસ શરૂ કરી છે.
સોમવારે પોલીસે સૈજપુરના વિનોદ નામ ધરાવતા એક તાંત્રિકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જો કે મુખ્ય આરોપી વિનોદ નાયક ન હોઈ તેનો જવાબ નોંધીને પોલીસે જવા દીધો હતો. બીજી તરફ લેણદારોની વિગતો મેળવવા પોલીસે રાજેશભાઈ જ્યાં કામ કરતા હતા તે વટવા જીઆઇડીસીની ફેક્ટરીમાં તેમનાં લોકરની પણ તપાસ કરી કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.
નોંધનીય છે કે, નવા નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપ નજીકનાં ધરણીધરવિલાના ભાડાના મકાનમાં રાજેશભાઈએ પરિવાર સાથે શનિવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. સ્થળ તપાસમાં નરોડા પોલીસને રાજેશભાઈની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તાંત્રિક વિનોદ નાયકના કહેવા મુજબ સટ્ટો રમતાં ૨૫ લાખનું દેવું થઈ ગયું હતું અને લેણદારોની કડક ઉઘરાણીથી અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કરાયો હતો.
રાજેશભાઇ સટ્ટા તરફ વળ્યા હોવા ઉપરાંત તેમને ૨૫ લાખ જેટલું દેવું થતાં લગભગ તમામ સંબંધીઓએ તેમનાથી છેડો કરી નાંખ્યો હતો, જેથી રાજેશભાઇનો પરિવાર એકલો પડી ગયો હતો.