માઈકામાં વિદ્યાર્થીઓના નામ પરથી વાનગીનું નામ અને એનઆઈડી ખાતે ‘બીએમડબલ્યુ’માં નાસ્તો
‘એક ગુંજન પરાઠા, એક સિમરન મેગી, એક માનવી રાઇસ અને ચાર વિપુલ પરાઠા!’ આવો ઓર્ડર તમે ક્યાંય આપી શકો ખરા? મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન અમદાવાદમાં (માઇકા) આવેલી અમિતભાઇની કેન્ટિનમાં બેસીને તમે આવો ઓર્ડર ચોક્કસ આપી શકો. આ બધી ‘આઇટમો’ કોઇને કોઇ વિદ્યાર્થીના નામથી તૈયાર થાય છે કારણકે એ બનાવનારા પણ વિદ્યાર્થીઓ છે. શહેરની પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાં અનોખા નામો આપવામાં વિદ્યાર્થીઓ મોખરે છે.
માઇકાના મીડિયા સ્ટુડન્ટ કો-ઓર્ડિનેટર કરણ ચઢ્ઢાએ જણાવ્યું કે, ‘અહીં અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય દરેકના ટેસ્ટ અલગ હોય. ઘણીવાર અંદરોઅંદર વાત થાય પછી કોઇ વિદ્યાર્થી કહે કે હું અમુક વસ્તુ અમુક રીતે બનાવી શકું છું ત્યારે અમારે કેન્ટિનની સવલતની મદદ લેવી પડે, કારણકે રાંધવાની ચીજો ત્યાં હોય. બનાવેલી ડિશ જો સૌને પસંદ પડે તો એ જ નામથી કેન્ટિનના મેનુમાં ઉમેરાઇ જતી હોય છે.’
આ અંગે માઇકા કેન્ટિનના અમિતભાઇએ કહ્યું કે,‘આવી તો ઓછામાં ઓછી પંદર જેટલી આઇટમો વિદ્યાર્થીઓનાં નામથી અહીં વેચાય છે. અનીશ પરાઠા અને ક્રાફ્ટિંગ સેન્ડવિચ જેવી ઘણી આઇટમ્સ અમારા મેનુમાં છે. ક્રાફ્ટિંગનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓએ બનાવેલી સેન્ડવિચને અમે કોર્સનું નામ આપ્યું.’
માઇકામાં કુદરતી નામોની વસંત છે તો ડિઝાઈન ઇન્સ્ટિટ્યૂટમાં બીએમડબલ્યુમાં નાસ્તો કરાય છે અને આઉડીમાં બેસીને લેકચર સાંભળવામાં આવે છે. બિહાઇન્ડ મશીનરી વર્કશોપ (બીએમડબલ્યુ) એનઆઇડીની કેન્ટિન આવેલી છે તો ઓડિટોરિયમને વિદ્યાર્થીઓ આઉડી કહે છે. અહીં બીબીસીમાં બેસીને વિદ્યાર્થીઓ ટોળટપ્પાં મારે છે કારણકે એ તેમનો બાસ્કેટ બોલ કોર્ટ છે. એનઆઇડીમાં દરેક એરિયાને નામ અપાયાં છે જેમકે ફોયર, ડિઝાઈન સ્ટ્રીટ વગેરે.
મેનેજમેન્ટ સંસ્થાનના વિદ્યાર્થીઓ પણ અનોખા નામોથી કેમ્પસ લાઇફ મેનેજ કરે છે. અહીં નવી બેચ આવે ત્યારે સિનિયર્સ સાથે તેમનું ઇન્ટરેક્શન રખાય છે. ઇન્ટરેક્શન દરમિયાન નવા વિદ્યાર્થીને પૂછવામાં આવે કે એને જોઇને કયો શબ્દ મનમાં આવે છે. આવા જ કેટલાક શબ્દો સંભળાય પછી તેને એક નામ અપાય છે જેને ‘ડોર્મ નેમ’ કહે છે. ઝૂઝૂ, સુશુ, એમિલી, ગુલાબો, રસ્ટી, વેટી, ડોલી, ઉશ્ટ્રા જેવા કેટલાય ચિત્રવિચિત્ર નામોથી વિદ્યાર્થીઓ એકબીજાને બોલાવે છે.
આઇઆઇએમ-એની ડંકિંગની પ્રથા પણ અનોખી છે જેમાં આવતાં જતાં વિદ્યાર્થી પર પાણી ફેંકવાની રમત કરાય છે. જો કે સુટેડબૂટેડ વિદ્યાર્થી કે હાથમાં પુસ્તકો લઇને જનારા વિદ્યાર્થી પર કોઇ પાણી ન ફેંકી શકે. પ્રિમીયર ઇન્સ્ટિટ્યૂટની કેમ્પસ લાઇફને ઇન્ટરેસ્ટિંગ બનાવતી આ નેઇમ ગેઇમની પ્રથાનો વારસો દરેક બેચ પોતાના અનુગામીને આપતી જાય છે.