-નડિયાદમાં દેસાઈવગાની શાળા નં.૮ રાબેતા મુજબ શરૂ
-કાંસમાં ધો.૧માં અભ્યાસ કરતી નિરાલી પડી ગઈ હતી
-લોખંડની એંગલો પર સિમેન્ટના ઢાંકણાઓ બેસાડાયા
નડિયાદ શહેરમાં દેસાઈવગા વિસ્તારની શાળા નં.૮માં બાળકી ખાબકી પડી હોવાની ઘટના બાદ શાળાને બંધ રાખવા માટેની અપીલ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના જીવના જોખમે કોઈપણ શિક્ષણ ન હોઈ શકે તેવી રજુઆત પણ રહીશોએ વાલીઓને કરતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ એક દિવસ પૂરતો બંધ રહ્યો હતો. નગરપાલિકા દ્વારા તાબડતોડ કામગીરી કરીને ગટર ઉપરના ઢાંકણા બેસાડી દીધા છે અને આ ઢાંકણાઓને કાંસના સ્લેબ સાથે વેલ્ડીંગ કરવામાં આવ્યા છે. આમ, ઢાંકણાઓ બેસાડી દેવામાં આવતાં શુક્રવારે શાળા રાબેતા મુજબ શરૂ થઈ હતી.
શાળાના આચાર્ય સ્મિતાબેન બ્રહ્નભટ્ટે જણાવ્યુ હતું કે, શાળા નં.૮ની બહાર આવેલ ખુલ્લા કાંસમાં ધો.૧માં અભ્યાસ કરતી નિરાલી પડી ગઈ હતી અને તેને રસ્તે જતા રાહદારી દ્વારા બચાવી લેવામાં આવી હતી પરંતુ આ ઘટના બન્યા બાદ સ્થાનિક રહીશોમાં પણ વ્યાપક રોષ ભભૂકી ઊઠ્યો હતો અને તેઓએ જ્યાં સુધી શાળાની બહાર આવેલા કાંસની ઉપર ગટરના ઢાંકણા બેસાડવામાં આવશે નહીં. ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં નહીં પ્રવેશવા દેવાની અપીલ કરી હતી. તેમજ વાલીઓને પણ આ સંદર્ભે સમજ આપી હતી. જેથી ગુરૂવારે શાળાઓ ખુલી હતી પરંતુ વિદ્યાર્થીઓ પરત ગયા હતા. આ ઘટના બનતાં નગરપાલિકા દ્વારા તાબડતોડ ખુલ્લા કાંસ પર ઢાંકણા બેસાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને લોખંડની એંગલો પર સિમેન્ટના ઢાંકણાઓ બેસાડાયા હતા.
સાથે-સાથે એંગલોને ચોરી ન જાય તે માટે વેલ્ડીંગ કરવામાં આવ્યુ હતું. આમ, શુક્રવારે સવારે ૧૧ કલાકે શાળા ખુલી અને વિદ્યાર્થીઓ આવતાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતાં સ્થાનિક રહીશો તેમજ શાળાના શિક્ષકોએ રાહતની લાગણી અનુભવી હતી.