અમદાવાદી દરવાજા વિસ્તારની પ્રજા માટે અવરજવર માટેનો રસ્તો પણ બંધ થઈ ગયો
નડિયાદ નગરપાલિકા દ્વારા અમદાવાદી દરવાજા બહાર કાંસ ઉપર અઢી ફૂટ ઉંચો સ્લેબ બનાવી દેતાં અવરજવર માટેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે-સાથે આ સ્થળે ખાડો પડી જતાં વરસાદી પાણીના નિકાલનો પણ મોટો પ્રશ્ન સર્જાય તેવી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે ક્યા કારણોસર આ કાંસ ઉપર અઢી ફૂટનો સ્લેબ ભરવામાં આવ્યો છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગેની વધુ માહિતી આપતાં આ વિસ્તારના તેજસભાઈ પરીખે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા દ્વારા અમદાવાદી દરવાજાની બહાર આવેલા કાંસ ઉપર અઢી ફૂટ જેટલો ઉંચો સ્લેબ ભરી દીધો છે. જેના કારણે અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડે છે. વરસાદી પાણીનો નિકાલ પણ આ માર્ગે થતો હતો. જે સ્લેબ ભરી દેતાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે. તે સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. વર્ષોથી રિક્ષા, સ્કૂટર તેમ જ અન્ય વાહનો આ માર્ગ પરથી અવરજવર કરતા હતા. પરંતુ કાંસ પર સ્લેબ ઉંચો બનાવી દેતાં અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે.
આ બાબતે સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી અને પ્રજાજનોને હાડમારીમાં ધકેલી દીધા છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આ સંદર્ભે રોષની લાગણી વ્યાપી ગઈ છે. વરસાદી પાણીનો નિકાલ નહિં થાય તો, આ વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ જશે તેવી સંભાવના પણ પ્રબળ બની છે.
સ્લેબ સમાંતર રસ્તો બનાવી દેવાશે
આ સંદર્ભે નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘હાલમાં કાંસ ઉપર જે સ્લેબ બનાવવામાં આવ્યો છે. તેને સમાંતર રસ્તો પણ બનાવવામાં આવશે. જે ખાડો પડી ગયો છે. ત્યાં પુરણકામ કરી કાંસના લેવલ સુધી લાવવામાં આવશે. જેથી હાલ જે સમસ્યા ઉભી થઈ છે. તે દૂર થઈ જશે.’