ભાજપ ખંડણીખોરોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરે : સિદ્ધાર્થ પટેલ
દિલ્હીની કોમનવેલ્થ ગેમ્સની ચિંતા કરવાને બદલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગેરકાનૂની બાંધકામ કરતા બિલ્ડર માફિયાઓ અને ભાજપના ખંડણીખોરોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરે તેમ કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે.
વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ વિરુદ્ધ મુખ્યમંત્રીએ કરેલાં નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસ અગ્રણીઓએ વળતા પ્રહાર કર્યા છે.
મુખ્યમંત્રી મોદી વડાપ્રધાનના પેંગડામાં પગ નાખવાનો પ્રયાસ કરીને હાસ્યાસ્પદ બનતા જાય છે. ચૂંટણીઓ આવે ત્યારે મોદી વિદૂષકની મુદ્રામાં આવીને લોકરંજન કરાવી વડાપ્રધાન સહિતના હયાત અને દિવંગત નેતાઓને ઉતારી પાડતાં નિવેદનો કરીને મુખ્યમંત્રીપદની ગરિમા ઘટાડે છે. રાજ્યભરમાં સરકારી ખર્ચે ગરીબ કલ્યાણમેળાઓ યોજીને ભાજપનું રાજકીય પ્લેટફોર્મ બનાવીને નાટકિયાવેડા આદર્યા છે.