દહેગામના વોર્ડ નં ૨માં સફાઇ, રેતીના ઢગલા અને નાળાની ગંદકી જેવા પ્રશ્નો
નગર પાલિકામાં સમસ્યાઓ અંગે અવાર નવાર ધ્યાન દોર્યુ હોવા છતાં સમસ્યા હલ કરાતી ન હોવાની ફરિયાદો
દહેગામ નગરના પ્રથમ નાગરિક એવા પાલિકાના પ્રમુખના અંદાજે ૩૬૦૦ જેટલા મતદાર ધરાવતો વોર્ડ નં ૨ સોસાયટી વિસ્તાર તેમજ શ્રમજીવી વસાહતવાળો વોર્ડ છે. આ વોર્ડમાં પણ સફાઇ,પાણીનું અપૂરતું પ્રેશર,ઉભરાતી ભૂગર્ભ ગટરો ગંદકીના ઢગલા તેમજ નાંદોલ રોડ તરફ જવાનો માર્ગ છેલ્લા એકાદ વર્ષથી બિસમાર હોવાને કારણે અહીંની પ્રજા તેમજ સહદારીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા છે.
જોકે નગરપાલિકાના શાસકો આ રસ્તો માર્ગ અને મકાન વિભાગને બનાવવાનો હોવાનું જણાવી આ માર્ગ જલદી બનાવવા શાસકો માર્ગ અને મકાન વિભાગને જણાવી રહ્યા છે. વોર્ડ નં.૨ માં હાઇવે નજીક આવેલ સોસાયટીમાં અપૂરતા પાણીના પ્રેશરની સમસ્યા ઉપરાંત સોસાયટી વિસ્તારમાં નિયમિત સફાઇ ન થતી હોવાનું તેમજ આ વિસ્તારમાં પશુપક્ષીનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહ બે ત્રણ દિવસ સુધી ન ઉઠાવતાં ગંદકી ફેલાતી હોવાનું રહીશોએ જણાવ્યું હતુ.
લક્ષ્મીનારાયણ સોસાયટી અને પંકજ સોસાયટી પાછળથી વરસાદી અને ગંદા પાણીના નિકાલનું નાળિયું આવેલ છે જે સફાઇ નહીં કરાતાં મચ્છરો અને દુર્ગધ ફેલાય છે જયારે આવી સ્થિતિ આ જ વોર્ડમાં ચેતના હોટલ પાછળ આવેલ શ્રમજીવી વસાહતની છે જયાંથી પણ ગંદા અને વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું છે. જે નાળાં પર દબાણો થયા હોવાથી સતત પાણીનો ભરાવો રહે છે અને મચ્છર ઉછેર કેન્દ્ર જેવી હાલત તેમજ રાત દિવસ દુર્ગંધ અને અવારનવાર માંદગીને કારણે સ્થાનિક શ્રમજીવીઓ નાળા પરના દબાણો દૂર થાય અને પાકી કેનાલ બનાવી નિયમિત સફાઇ કરાય તેવું જણાવી રહ્યા છે.
સરાણિયાવાસની શ્રમજીવી વસાહતમાં વસતાં શ્રમજીવીઓની વધુ વસતી છે પરંતુ પાણીના સ્ટેન્ડ ઓછા હોવાને કારણે પાણી મેળવવા ફાંફા પડી રહ્યા હોવા સાથે આ વિસ્તારમાં સાર્વજનિક શૌચાલય ન હોવાને કારણે બાળકોથી માંડી મહિલાઓ અને વૃદ્ધોને નજીકમાં આવેલ રેલવે ફાટક પાસે ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે પણ વૈભવ કોમ્પલેક્સ પાસે પણ કચરાના ઢગલા દિવસો સુધી ખડકાયેલા રહે છે.
જોકે વોર્ડ નં.૨માં એસ.ટી.સ્ટેન્ડ પાસે આવેલ ખાડા વિસ્તારને વર્ષો જૂનાં ધૂળિયા અને કાચા માર્ગ ને સી.સી.રોડમાં પરિવર્તિત કરવા સાથે પંકજ સોસાયટીમાં નવીન બોર તેમજ નાંદોલ રોડ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા શારદા સોસાયટીમાં પથ્થર રિફિટિંગ અને લક્ષ્મીનારાયણ સોસાયટીનો રોડ સી.સી.રોડ બનાવવાનું મંજૂર કર્યુ હોવાના કામને આ વિસ્તારના નગરસેવકો પોતાની સિદ્ધિ ગણાવી રહ્યા છે.
રહીશોના પ્રતિભાવો
સોસાયટીમાં રોડની સાઇડોમાં રેતીના ઢગ ખડકાયા છે.
સિદ્ધાર્થ સોસાયટીવાળી લાઇનમાં ખુલ્લી નીકની નિયમિત સફાઇ કરવામાં આવતી નથી આજ સોસાયટીમાં રોડની બંને સાઇડોમાં રેતીના ઢગ ખડકાયા છે તેને દૂર કરવા પાલિકામાં અવાર નવાર ધ્યાન ર્દોયુ હોવા છતાં માટીના ઢગલા ઉઠાવવામાં આવતાં નથી. - રાજેન્દ્રભાઇ શાહ. સિદ્ધાર્થ સોસાયટી
આરાધના સોસાયટીમાં એક વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાય છે.
આરાધના સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ભૂર્ગભ ગટર અવાર નવાર ઉભરાય છે જેથી ગંદુ પાણી સંડાસ બાથરૂમમાં બેક મારતાં ગંદકી થાય છે પરંતુ પાલિકા દ્વારા તેનો કાયમી ઉકેલ લવાતો નથી. સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાઓ પણ નિયમિત સાફ થતાં નથી અને ચોમાસામાં આ સોસાયટી બેટમાં બદલાઇ જાય છે. - રૂપલબેન ભટ્ટ.આરાધના સોસાયટી
પૂરતા પ્રેશરથી પાણી ન આવતાં મુશ્કેલી સર્જાય છે
ગવર્નમેન્ટ સોસાયટી સહિત આસપાસમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો પુરવોગ્ મેળવવાની સમસ્યા સ્થાયી સમસ્યા બની છે અહીં પૂરતાં પ્રેશરથી પાણી આવતું નથી. રસોડા સુધી માંડ પાણી આવે છે જયારે પ્રથમ માળે પાણી પહોંચતુ જ નથી. - કિરીટભાઇ અમીન, ગર્વમેન્ટ સોસાયટી
હોટલ પાછળના નાળામાં દબાણને કારણે નાળું ગંદકીથી ખદબદે છે
ચેતના હોટલ પાછળ વર્ષો જૂની શ્રમજીવી વસાહત આવેલી છે જેના પાછળથી ગંદા અને વરસાદી પાણીના નિકાલનું નાળું આવેલું છે જેના પર દુકાનદારોએ દબાણ કરતાં અને દુકાનદારો દ્વારા કચરો નંખાતાં નાળા સતત ગંદકી અને મચ્છરોથી ખદબદે છે પરંતુ પાલિકા દ્વારા નાળાની નિયમિત સફાઇ કરવામાં આવતી નથી જેના કારણે રહિશોને માંદગીઓ ભોગ બનવુ પડે છે. - અજીતભાઇ દંતાણી .ચેતના હોટલ પાછળ
સાર્વજનિક શૌચાલય ન હોવાથી ખૂબ જ હાલાકી થાય છે.
સરાણિયાવાસમાં પાણીની ખૂબ જ તકલીફ છે. અહીં માત્ર ચાર જ પાણીના સ્ટેન્ડ છે જયારે વસતી વધુ છે. શ્રમજીવીઓની વસતીના પ્રમાણમાં પાણીના ચાર સ્ટેન્ડ ખૂબ જ ઓછા છે. કાચા મકાનો અને સ્લમ વિસ્તાર હોવાથી વ્યક્તિગત કનેકશન પર વડે તેમનથી સાર્વજનિક શૌચાલય પણ ન હોવાથી ખુલ્લામાં જવું પડે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. - જશુભાઇ સરાણીયા .સરાણીયાવાસ.
સોસાયટી પાછળના નાળિયાની સફાઇ કરાતી નથી
પાલૈયા તરફથી શરૂ થતુ ગંદા અને વરસાદી પાણીના નિકાલનું નાળિયું ચાર સોસાયટી પાછળથી પસાર થાય છે જેમાં બારેમાસ ગંદુ પાણી વહેતુ હોવાને કારણે તથા નાળિયા પાસે ખુલ્લામાં લોકો શૌચક્રિયા કરતાં હોવાથી ખૂબ જ ગંદકી થાય છે. આ નાળિયાને નિયમિત સાફ ન કરતાં સોસાયટીના રહીશો દુર્ગધ અને મચ્છરોને કારણે ત્રાસી ગયા છે. - હંસાબેન રાઠોડ.પંકજ સોસાયટી.વિ.૨
નગરસેવકો શું કહે છે ?
પ્રજાને સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ
સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટરની નવી લાઇનો નાંખવા માટે રાજય સરકારમાં માંગણી કરી છે. જોકે રાજય સરકાર ભાજપની હોવાથી અમારી કોંગ્રેસની બહુમતીવાળી પાલિકા પ્રત્યે ઓરમાયુ વર્તન રખાય છે અને યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જોકે પ્રજાજનોને તમામ પ્રયત્નો થકી સુવિધાઓ પૂરી પાડવા કટીબદ્ધ છીએ. - કામિની બેન રાઠોડ. પ્રમુખ દહેગામ પાલિકા.
જૂના શાસકોએ કોઇપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી
વોર્ડ નં.૨ શ્રમજીવીઓની વસાહતવાળો છે વર્ષોથી તેમના પ્રશ્નોનો અંગે જૂના શાસકોએ મત સિવાય કોઇપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. અમને સત્તામાં આવ્યે એક વર્ષ જેટલો સમય થયો છે અને અમે વોર્ડ નં.૨ ના રહીશોની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.- મનીષ કુમાર પટેલ (પપ્પુભાઈ)
ઉભરાતી ગટરોનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ કરીશ
આરાધના સોસાયટીથી ડો.કે.એન.કોઠારીના દવાખાના સુધીનો ભાગ સમતળ ન હોવાને કારણે ભૂર્ગભ ગટર ઉભરાય છે અને ચોક અપ થવાની સમસ્યા સર્જાય છે જેને અમે ટૂંક સમયમાં બાયપાસ દ્વારા રિપેરિંગ કરી ઉભરાતી ભૂર્ગભ ગટરોનો પ્રશ્ન હલ કરવાના પ્રયત્નોમાં છીએ. -હિતેન્દ્રકુમાર મકવાણા