ઉપવાસીઓની સંખ્યાથી માંડીને મુખ્યમંત્રી રિલીફ ફંડની રકમ સહિતની તમામ વિગતો એકત્ર કરવા આદેશ
ગાંધીનગર જિલ્લા કક્ષાના માણસા ખાતે યોજાયેલા સદ્દભાવના મિશન ઉપવાસ કાર્યક્રમની રજેરજની માહિતી રાજ્ય સરકારે જિલ્લા કલેકટર પાસે માગી છે. મુખ્યમંત્રીના ઉપવાસ કાર્યક્રમમાં જોડાયેલા ઉપવાસીઓની સંખ્યાથી માંડીને કેટલુ અન્નદાન થયું તેની વિગતો એકત્ર કરવામાં જિલ્લા કલેકટર તંત્ર લાગી ગયું છે.
જિલ્લા કલેકટર કચેરીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે તાજેતરમાં ગાંધીનગર કલેકટર પાસેથી આ વિગતો આપવા આદેશો કર્યા છે. માણસામાં પાંચમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સદ્દભાવના મિશન ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના એક મહિના પછી રાજ્ય સરકારે જિલ્લા કલેકટર પાસેથી રજેરજની વિગતો એકત્ર કરવા આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માણસાના ઉપવાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેટલાં સ્ત્રી-પુરુષ ઉપવાસમાં જોડાયા હતાં ? કેટલાં સ્ત્રી-પુરુષોએ ઉપવાસ કાર્યક્રમની મુલાકાત લીધી હતી ? કેટલા વિકલાંગો કાર્યક્રમમાં આવ્યા હતાં ? માણસાના કાર્યક્રમમાં કેટલા કલાકારોએ કાર્યક્રમ રજૂ કર્યો હતો ? ઉપવાસ કાર્યક્રમ સ્થળે યોજાયેલા પ્રદર્શન અને સ્ટોલની કેટલા લોકોએ મુલાકાત લીધી હતી ? મુખ્યમંત્રીએ લખેલા પુસ્તકો સહિત પ્રદર્શનમાં મુકાયેલા અન્ય કેટલા પુસ્તકોનું વેચાણ થયું હતું ? રાજ્ય સરકાર ગુજરાત માસિકનું કેટલા લોકોએ લવાજમ બંધાવ્યું ? તે સહિતની વિગતો એકત્ર કરવામાં જિલ્લા કલેકટર તંત્ર કામે લાગ્યું છે.
આ ઉપરાંત માણસા તાલુકાની શાળાઓમાં કરાયેલા તિથિ ભોજનની સંખ્યા, કેટલા ગામોમાં પ્રભાત ફેરીઓ નીકળી હતી. એકત્ર થયેલા અન્નદાનનો આંકડો, કન્યા કેળવણી માટે મળેલા દાનની રકમનો આંકડો તથા મુખ્યમંત્રી રિલીફ ફંડમાં કેટલા રૂપિયાનું દાન કરવામાં આવ્યું ? તેની વિગતો પણ રાજ્ય સરકાર દ્વારા માગવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા આ તમામ માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સોમવાર સુધીમાં તમામ વિગતો એકત્ર કરી રાજ્ય સરકારને સુપરત કરી દેવાય તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી છે. આ માહિતી બાદ માણસામાં સદ્દભાવના મિશન પ્રત્યે ગાંધીનગર જિલ્લાના રહીશોએ કેટલી સદ્દભાવના દાખવી તે જાણી શકાશે.