દાંતા અને ડુંગરપુરના મહારાજાઓએ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા ડોગ શોમાં હાજરી આપી હતી. પોતાના આ રજવાડી શોખ અને માનીતા ડોગ સાથેના પોતાનાં સંભારણા તેમણે સિટી ભાસ્કર સાથે શેર કર્યા હતા.
શહેરના જીએલએસના ગ્રાઉન્ડ પર થયેલા ડોગ શોમાં રાજવી પરિવારના સભ્યોએ પણ હાજરી આપી હતી. બનાસકાંઠા દાંતાના મહારાજા મહીપેન્દ્રસિંઘ ત્રીસ વર્ષ સુધી ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબના ૩૦ વર્ષ સુધી પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે અને જેમને ડોગ શોનું જજિંગ કરવાનો ૩૮ વર્ષનો અનુભવ છે તેઓ એક પણ ડોગ શોમાં હાજરી આપવાનું ચૂકતા નથી. આ ઉપરાંત ડુંગરપુરના મહારાજા હર્ષવર્ધનસિંઘે પોતાના બે ગ્રેટ ડેન્સને ચેમ્પિયનશિપમાં રજૂ કર્યા હતા.
દાંતા મહારાજા મહીપેન્દ્રસિંઘે જણાવ્યું કે, ‘મેં ૧૯૫૬માં પહેલીવાર ડોગ શોમાં મારા શ્વાનને રજૂ કર્યો હતો. મારી પાસે ઇંગ્લિશ પોઇન્ટર્સ, બૂલ મેસ્ટફિ, આઇરિશ સેટર, કોકર સ્પેનિયલ, પગ જેવી બ્રિડના શ્વાન છે. મને અંગત રીતે મોટી બ્રિડ્ઝના શ્વાન ગમે છે અને લેબ્રાડોર્સ મને ગમતી બ્રિડ છે. આજે યંગસ્ટર્સ કેનાઇન સ્પોર્ટ્સમાં રસ લઇ રહ્યા છે જે બહુ સારી બાબત છે.’
તેમની કેટલીક યાદગાર ડોગસ્ટોરીઝની વાત કરતાં તેમણે કહ્યું કે, ‘મારી પાસે સેન્ટ બનૉર્ડ બ્રિડની એક માદા હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી હતી. મારી દીકરી નાનકડી હતી અને તે ઓરડામાં રડવા માંડે તો એ કોઇપણ રીતે મારી પત્નીને ત્યાં સુધી લઇ જતી. માતા બાળકને સાચવી લે છે, એટલું જોઇને એ ત્યાંથી ચાલી જતી. એકવાર અગાશીની પાળી પર પગ મૂકીને તે સતત ભસી રહી હતી. મેં જોયું તો ત્યાં કોબ્રા હતો. મારી નજર કોબ્રા પર પડી ગઇ છે એવું એને સમજાયું એટલે એ પોતાની જગ્યાએ ચાલી ગઇ.’
આઇએનકેસી અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડન્ટ લોકેન ખારાવાલાએ ડોગ શોની ખાસિયત અંગે કહ્યું કે,‘અહીં ચેમ્પિયન્સની વાત થતી હોય ત્યારે ખૂબ જ ઊંચી નસલના શ્વાનની રજૂઆત થાય છે. આ શોમાં યોર્કશાયર ટેરિયર, શાપેઇ, ફોકસ ટેરિયર્સ, જેક રસલ ટેરિયર, લાસાએપ્સો, શિત્ઝુ જેવી કેટલીક યુનિક બ્રિડ્ઝ પણ જોવા મળી. આંતરરાષ્ટ્રીય ધારાધોરણને આધારે અહીં ઉમદા શ્વાનની પસંદગી થાય છે.’ આઇએનકેસીના સભ્ય બિજોય શીવરામના મતે,‘સાચી માહિતી મેળવવા માટે અને પ્યોરેસ્ટ બ્રિડના શ્વાન જોવા ડોગ શો ઉત્તમ ઇવેન્ટ છે.’
શ્વાનનો પ્રેમ ઘટતો નથી
ગ્રેટ ડેઇન્સ સાથે રિંકમાં ઊભેલા ડુંગરપુર મહારાજા હર્ષવર્ધનસિંઘની પાસે બોક્સર્સ અને લેબ્રાડોર્સ પણ છે. એમનું કહેવું છે કે,‘મેં થોડા સમયથી ડોગ બ્રિડિંગ કરવા પર કાબૂ કર્યો છે કારણકે જ્યારે તમારા નાનકડાં ગલુડિયાને સારા ઘર ન મળે ત્યારે તકલીફ પડે. શ્વાન પાળવો કોઇ શોખ નથી બલ્કે પરિવારમાં એક સભ્યનો વધારો છે અને બાળકોને સાચવીએ તેમ જ એમને સાચવવા પડે.શ્વાન પોતાના માલિકને ચોવીસ કલાક એક સરખો જ પ્રેમ કરે છે પણ સામે એટલો પ્રેમ મળવો પણ જોઇએ.’