ઇવીએમમાં ચેડાં કરવા સીએમ ઓફિસે અમેરિકાથી નિષ્ણાતને બોલાવ્યાનો આક્ષેપ.
છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ માટે ‘મોદી મેજિક’ નહીં પણ મોદી સરકાર દ્વારા કરાયેલો ‘મશીન મેજિક’ ચાલ્યો હોવાનો આક્ષેપ કોંગી અગ્રણીઓએ કર્યો છે. ઇવીએમની તપાસ કરાવવા કોંગ્રેસે રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને આઇ.ટી. તજજ્ઞોની એક કમિટી બનાવી ઇવીએમનો ડેટા જાહેરમાં તપાસ કરવાનો પડકાર ફેંક્યો છે. તે સાથે કોંગ્રેસે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ઇવીએમમાં ગરબડ કરવા માટે અમેરિકાથી એક નિષ્ણાતને ગુજરાતમાં બોલાવવામાં આવ્યા હતા.
છેલ્લા એક કલાકમાં થયેલા ૧૫થી ૨૦ ટકાના ભારે મતદાન અંગે શંકા વ્યક્ત કરતાં કોંગી આગેવાનોએ આ ડેટા વોશઆઉટ ન કરીને સાચવી રાખવાની માગણી કરી છે. સરકાર આ માગણી ન સ્વીકારે તો આગળની કાર્યવાહી કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે. જ્યારે કોંગ્રેસના પરાજય માટે ઉમેદવારોની પસંદગીમાં ભાગબટાઈના આક્ષેપને કોંગ્રેસે સ્વાભાવિક રીતે નકાર્યા છે.
કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહવાઘેલાએ અમદાવાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મોદી સરકાર પર ઇવીએમમાં ગરબડ કરીને ચૂંટણી જીતવાનો સીધો આક્ષેપ કર્યો હતો. કોંગી આગેવાનોએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે આઠ વર્ષ પહેલાં બેંગલોરની એક કંપની પાસે જુની ટેક્નોલોજીથી આ ઇવીએમ બનાવડાવ્યાં છે અને આ મશીનમાં બ્લૂ ટૂથ ડિવાઇસથી કોઈ પણ પ્રકારનું ટેમ્પરિંગ થઈ શકે છે.
કેન્દ્રીય ચૂંટણીપંચે જ્યાં ઇવીએમ તૈયાર કરાવ્યાં છે તેનાથી અલગ રીતે ગુજરાત સરકારે આ મશીન તૈયાર કરાવ્યાં છે. મશીનમાં ટેમ્પરિંગ કરવામાં માહેર એવા એક એક્સપર્ટને સી.એમ. ઓફિસે એક મહિનાથી ગુજરાતમાં બોલાવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ એક્સપર્ટ ફરીથી અમેરિકા રવાના થઈ ગયા છે. અલબત્ત, તેમણે આ એક્સપર્ટનું નામ આપવાનું ટાળ્યું હતું.