ફેવરિટ ટાઇમ પાસ: કૃષ્ણ ભગવાનના વખતમાં બાળકોને રમવાનો સમય વધુ મળતો હતો અને તેના ખેલ પણ નિરાળા હતા. આજકાલ તો બાળકો લડ્ડુ ગોપાલ વીડિયો ગેમ, લેપટોપ અને મોબાઇલ દ્વારા ટાઇમપાસ કરે છે જેને લીધે બહાર નીકળવાનું તો લગભગ બંધ જ થયું છે.
મનોરંજન: શ્રીકૃષ્ણ વાંસળી વગાડીને કે પછી મિત્રો સાથે મનોરંજન કરતા હતા. ગોપીઓની મસ્તી કરી ખીજવતા અને તેની મટકી પણ ફોડતા . જ્યારે આજે આઇપોડ અને મોબાઇલ મ્યુઝિક દ્વારા વધારે મનોરંજન થાય છે.
મિત્ર મંડળ: કૃષ્ણને મિત્રોની મોટી મંડળી હતી જેમાં રમતની સાથે જ્ઞાનની પણ ચર્ચા થતી. પ્રકૃતિ, પશુ પ્રત્યેક સાથે બાળકોની મિત્રતા જોવા મળતી . જ્યારે આજે ટીવી, કમ્પ્યૂટર, લેપટોપ અને કાર્ટૂન જ બાળકોના ફ્રેન્ડ બન્યા છે.
ફૂડ હેબિટ: મટકી ફોડીને માખણ ખાવું, દૂધ, દહીં, છાશ અને ફળો બાળકો હોંશથી આરોગતા હતા. હવે ચોકલેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિન્ક ફેવરિટ છે. પિઝા, પાસ્તા, નૂડલ્સ, આઇસ્ક્રીમ માટે બાળકોની ડિમાન્ડ રહે છે. દૂધ પ્રત્યે તો જાણે તેઓને એલર્જી જ થઇ છે. આથી જ તેઓને નાની ઉંમરમાં બીમારી લાગુ પડી જાય છે. કૃષ્ણના સમયમાં બાળકો એટલા સ્વસ્થ અને મજબૂત હતા કે મોટામાં મોટી મુશ્કેલીઓને પણ આસાનીથી સહન કરી લેતા.
વાર્તા-પ્રસંગો દ્વારા શિક્ષણ: એ સમયે બાળકોને વાસ્તવિક અનુભવો, પ્રસંગો અને વાર્તાઓ દ્વારા જીવનનું શિક્ષણ આપવામાં આવતું હતું જેનાથી નીતિમત્તા અને સદ્ગુણોનો વિકાસ થતો. આજકાલ બાળકો રિયાલિટીની જગ્યાએ રિયાલિટી શોમાં વધારે ઇન્ટ્રેસ લેવા લાગ્યા છે. તેમને ફિલ્મ સ્ટારની લાઇફ અને અફેર્સની જાણકારી વધારે છે. તેના આઇકોન પણ તે સેલિબ્રિટી બની ગયા છે. ટીવી કલ્ચર સામે તેમને વાર્તા અને પ્રસંગોની વાત ફિક્કી લાગે છે. કૃષ્ણ ભગવાન જેવું આદર્શ બાળપણ તો ક્યાંક ખોવાઇ જ ગયું છે.
આપણે આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે કે આવનારી પેઢીના મૂળિયાં વધારે મજબૂત કેવી રીતે બને? જેની શરૂઆત આપણે આપણાથી અને આજથી જ કરવી પડશે.