અમિત જેઠવાની હત્યામાં પોલીસ કોન્સ્ટેબલ બહાદુરની ધરપકડ બાદ આ કેસની તપાસનો દોર સાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકી સુધી પહોંચે તેવી શક્યતા ક્રાઇમબ્રાન્ચે નકારી નથી. સાથે સાથે ટૂંક જ સમયમાં આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે, જ્યારે અમિતની હત્યા કર્યા બાદ જુનાગઢ પહોંચેલા પાચણ શિવાને બહાદુરે બાકીના રૂ.ચાર લાખ ઉપરાંત એક લાખ ખુશ થઈને બક્ષિશ પેટે આપ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ-છ વીઘા જમીનની તકરારમાં અમિત જેઠવાની હત્યા કરાવી હોવાની પોલીસ કોન્સ્ટેબલ બહાદુરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જો કે બહાદુરની આ વાત પોલીસને જરા પણ ગળે ઉતરે તેમ નથી. આટલું જ નહીં જેઠવાની હત્યામાં બહાદુરનો ફક્ત મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે.
જેથી ખરેખર બહાદુરે કોના કહેવાથી જેઠવાની હત્યા માટે સોપારી આપી હતી તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આટલું જ નહીં આ કેસની તપાસનો દોર સાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સુધી લંબાય તેવી શક્યતા પોલીસે નકારી નથી.
ભાગેડુ શૈલેશ પંડ્યાનો સાગરીત ઝડપાયો
અમિત જેઠવા હત્યાકેસમાં સમીના બાસ્પા ગામના શૈલેષ પંડ્યાની સંડોવણી બહાર આવતાં અમદાવાદ અને પાટણ પોલીસ તેને પકડવા માટે શોધખોળ કરી રહી છે. ત્યારે રાપરમાંથી શૈલેષના સાગરીત રાજુ ઠક્કરને પાટણ પોલીસ સ્પેશિયલ સ્કવોડે છાપો મારીને પકડી પાડ્યો છે. આ શખ્સનું એક ઇન્ડિકા ગાડીના લૂંટકેસમાં નામ ખૂલ્યું હતું. સમી તાલુકાના બાસ્પા ગામના વતની શૈલેષ પંડ્યાની જેઠવા કેસમાં સંડોવણી બહાર આવી હોવાથી તેમજ તેનો ગુનાઇત ઈતિહાસ વધતો જતો હોવાથી પાટણ અને અમદાવાદ પોલીસ તેને પકડવા માટે શહેરો-ગામો ખૂંદી રહી છે.
બહાદુરસિંહ ૧૩ દિવસના રિમાન્ડ પર
આરટીઆઇ એક્ટિવસ્ટિ અમિત જેઠવાની હત્યાની સોપારી આપનારા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરના મેટ્રોપોલિટન કોર્ટે ૧૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ગીર જંગલના વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ખાણો અંગે આરટીઆઇ હેઠળ માહિતી માગી આ પ્રવૃત્તિના વિરુદ્ધમાં કાર્ય કરતા અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તપાસ કરી રહેલી શહેર ક્રાઇમ બ્રાંચે મંગળવારે પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ધીરૂભા વાઢેરની ધરપકડ કરી હતી.