આઈટી ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિએ પોતાના પ્રતસ્પિધીઁની વ્યવસાયિક સાઇટ્સ હેક કરી અને જીવનને હેન્ગ કરી દીધું : R ૪૦ લાખનું નુકસાન થતાં આખરે તે રસ્તા પર આવી ગયો
એક સમય હતો જ્યારે યુદ્ધો તલવારો અને તોપોથી લડાતા. સમય બદલાયો અને યુદ્ધો પરમાણુ અને આણ્વિક શસ્ત્રોથી લડાતા થયા. હવે સમય સાઇબર વોરનો આવ્યો છે. તાજેતરમાં જ વિક્લિકસ નામની વેબસાઇટે અફઘાનિસ્તાનમાં લડાઇ રહેલા તાલિબાન વિરુદ્ધની અમેરિકન લડતમાં પાકિસ્તાન અને આઈએસઆઈની મિલભિગતને બહાર લાવી અમેરિકીઓને અચંબામાં મૂકી દીધાં.
આ વેબસાઇટે સંખ્યાબંધ એવા સ્ફોટક દસ્તાવેજો રજુ કર્યા છે જેણે ઘણાં દેશોની ઊંઘ હરામ કરી નાખી છે. ઇન્ટરનેટ અને આઈટી ક્ષેત્રનો રચનાત્મક હેતુસર ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદાઓ વિશાળ છે, પરંતુ આ સુવિધાનો મોટાભાગે નકારાત્મક કાર્યોમાં જ પ્રયોગ થતો જોવા મળે છે.
ખાસ કરીને હેકર્સે આજકાલ હાહાકાર મચાવ્યો છે. એથિકલ અને અન-એથિકલ હેકિંગના વિષયો પર પ્રવચનો જરૂર થતા રહે છે, પરંતુ ભાગ્યે જ સકારાત્મક બાબતોને અમલમાં મૂકવામાં આવે છે. આ પ્રકારનો જ એક કિસ્સો તાજેતરમાં સાઇબર ક્રાઇમ સેલ, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં નોંધાયો. જેમાં હેકિંગ મારફત એક વ્યક્તિએ તેના ધંધાના પ્રતસ્પિધીઁને લગભગ રસ્તા પર લાવી દીધો.
મણિનગરના કાંકરિયામાં રહેતા હિરલ યાજ્ઞિકે તરૂણ અગ્રવાલ અને મોહિત શાહની વિરુદ્ધમાં એ મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ બંનેએ તેમના ધંધાકીય ઇ-મેલ આઈડી જાન્યુઆરી ૨૦૧૦થી એપ્રિલ ૨૦૧૦ દરમિયાન અવારનવાર હેક કર્યા હતા. એટલું જ નહીં કેટલાક ખાનગી ડેટાને નુકસાન કરી, તેમના ગ્રાહકોના ડેટા મેળવી પોતાના નામથી વેપાર કરવાની સાથે સાથે તેમની કંપની વિરુદ્ધ બદનક્ષીયુક્ત બ્લોગ લખવાનો ગુનો પણ આચર્યો હોવાનું જણાવ્યું હતું.
યાજ્ઞિકે આ બંનેને કારણે તેમનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો હોવાનું અને જિંદગી દુષ્કર બની ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. આ મામલે પોલીસ તપાસ તો કરી રહી છે, પરંતુ હજુ આ મામલે આરોપીની ધરપકડ થઈ શકી નથી. તથ્યોની તપાસ માટે સંખ્યાબંધ ડેટાની ચકાસણી અલગ-અલગ સ્ત્રોતોની મારફત કરવી પડશે, તેવું પોલીસનું માનવું છે.
‘પુરાવા એકઠા થઇ રહ્યા છે’
તપાસ કરનાર અધિકારી તરફથી હાજર રહેલ સરકારી વકીલ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં આરોપી વિરુદ્ધ બીજા પુરાવા એકઠા કરી રહ્યા છે. તપાસ ચાલુ છે. આરોપીને આગોતરા જામીન નામંજુર કરવા કોર્ટને જણાવ્યું છે.
યાહુમાંથી માહિતી મંગાવી છે
સાઈબર ક્રાઇમ સેલના તપાસનીશ અધિકારી બી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે. આ કેસમાં ફરિયાદીનો તમામ ડેટા જતો રહ્યો છે. યાહુ અને ગુગલમાંથી કેટલીક માહિતીઓ મંગાવામાં આવી છે જે હજુ સુધી આવી નથી. તપાસ લાંબી હોવાથી તેમાં પુરાવા એકઠા કરવા ખૂબ જરૂરી છે.
‘નાણા લેવા ખોટો કેસ કર્યો છે’
તરુણ અગ્રવાલ વતી તેમના વકીલ નિગમ શુક્લએ જણાવ્યું હતું કે તરુણ વિરુદ્ધની ફરિયાદ સદંતર ખોટી છે. હકીકતમાં તરૂણ અગ્રવાલે હિરલ યાજ્ઞિકનું કામ કર્યું હતું. તેના નાણાં લેવાના થતાં, તે નહીં આપવા માટે આખો ખોટો કેસ કરેલો છે. આરોપી સામે કોઈ ગુનો બનતો નથી. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે તેની સુનાવણી તા.૩૧મી ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.
દરમિયાન, હિરલ યાજ્ઞિકે તરૂણ પર એવો આરોપ મૂક્યો હતો કે તેણે તથા મોહિત શાહે મારા ધંધાકીય ઇમેલ આઈડીઓ જાન્યુઆરી-૨૦૧૦થી એપ્રિલ-૧૦ દરમિયાન યેનકેન પ્રકારે અવારનવાર હેક કર્યા હતાં. તેમણે ખાનગી ડેટાને નુકસાન પહોંચાડી, તેમાંનો ગ્રાહકોનો ડેટા મેળવી તેઓ સાથે મારા નામથી વેપાર કરી તેમજ વિવિધ વેબસાઇટો ઉપર અમારી સંસ્થાને બદનામ કરવાના બ્લોગ લખ્યા હતા અને અમારી સંસ્થાએ ખોટી રીતે માન્યતા મેળવી હોવાનું દર્શાવી મને ધાકધમકી આપી મારી પાસેથી રૂ.૧.૫૦,૦૦૦ પડાવી લીધા હતા. તેમના કારણે જાન્યુઆરીથી એપ્રિલ-૨૦૧૦ દરમિયાન મને આશરે રૂ.૪૦ લાખનું ધંધાકીય નુકસાન થયુ છે.
આ રહી ઘટના
હિરલ યાજ્ઞિકે ૮, જુલાઇ ૨૦૧૦ના રોજ તરૂણ અગ્રવાલ વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, જાન્યુઆરી-૨૦૦૮ના અરસામાં સ્પેનિશ ભાષા અને તેનો અનુવાદ શીખવાના ભાગરૂપે તરૂણ અગ્રવાલ તેના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે રહીને ભાષા અનુવાદ અને ભાષા વિશ્લેષણની કામગીરીનું કામ મેં શરૂ કર્યું હતું.
હું જે કામ સોંપતો તે કામ તે મને કરીને આપતો હતો. જેનું હું તેને યોગ્ય વળતર ચૂકવતો. સમય જતાં તેને આ કામમાં ફાવટ આવતાં વધુ વળતર મેળવવાના આશયથી તેણે મારા વ્યવસાયના ઇમેલ આઈડી યેનકેન પ્રકારે હેક કરી મારો પાસવર્ડ તેમજ સિકયુરિટી પ્રશ્ન ચેન્જ કરી નાખ્યા હતા. એટલું જ નહિ, મારા ઈમેલ આઈડીથી મારા એકાઉન્ટમાં રહેલા ઇમેલ તથા ડેટા તેમજ ગ્રાહકોથી આવેલ ઈમેલો તપાસી તેણે મારા પર આરોપ લગાવ્યો હતો કે, હું વધારે વળતર લઉં છું અને તેને બહુ ઓછુ વળતર આપુ છું.
આ સાથે જ તેણે મારી પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી અને રૂપિયા નહીં આપુ તો બંને ઈમેલ એડ્રેસમાં રહેલ ઇમેલો તથા ડેટાને ડિલિટ કરી ધંધાને નુકસાન પહોંચાડશે તેમ જણાવ્યું હતું. તેની આ ધમકીને વશ થઈ મેં ગયા માર્ચ માસમાં ચેકથી R દોઢ લાખ તેને ચૂકવ્યા હતા.
ત્યારબાદ મેં તેની સાથે કામના વ્યવહાર બંધ કરી દીધેલ, પરંતુ આજ અરસામાં આ તરૂણ અગ્રવાલે પોતાની એક અલકેમિસ્ટ ટ્રાન્સલેશન નામની અમારા જેવી જ સંસ્થા ચાલુ કરી. એટલું જ નહીં અમારા ઈમેલ એકાઉન્ટમાંથી મેળવેલા ડેટાના આધારે અમારા ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. જેથી મારી સાથે કામ કરનારા ગ્રાહકોનું કામ મારી પાસેથી છીનવાઈ ગયુ હતું.
‘હજુ ધરપકડ થતી નથી’
હિરલ યાજ્ઞિક તરફથી એડવોકેટ સંજય ઠક્કરે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ પોલીસે મજબૂત પુરાવા એકઠા કર્યા છે. આમ છતાં એક યા બીજા કારણસર ધરપકડ કરવામાં આવતી નથી. ફરિયાદીએ ફરિયાદ કર્યા પછી તેનો ધંધો ઠપ થઈ ગયો છે. કોર્ટમાં આરોપીએ કરેલી આગોતરા જામીન અરજીમાં બીજા પુરાવા સોગંદનામા રૂપે રજુ કરવામાં આવ્યા છે અને આરોપીની જામીન અરજી ફગાવી દેવા કોર્ટને વિનંતી કરી છે.