૧૯૯૯માં શર્મા સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે આસિફ અને દિલીપનું એન્કાઉન્ટર થયું હતું
કચ્છ એન્કાઉન્ટર કેસમાં કુલદીપ શર્માને હાઇકોર્ટ દ્વારા રાહત મળતા રાજ્ય સરકારે શર્મા સામે વધુ એક એન્કાઉન્ટરની તપાસનો મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી છે. સપ્ટેમ્બર, ૧૯૯૯માં સુરત નજીક આસિફ અમદાવાદી અને દિલીપ મરાઠા એન્કાઉન્ટર કેસની સીઆઇડી ક્રાઇમ દ્વારા નવેસરથી તપાસનો ગાળિયો કુલદીપ શર્માના ગળે કસાઈ રહ્યો છે. આસિફની માતા હાજરાબીબીએ કરેલી અરજી પરથી તપાસ કરી સીઆઇડી ક્રાઇમના વડોદરા યુનિટે એન્કાઉન્ટરમાં સામેલ એક પોલીસ કર્મચારીનું સીઆરપીસી ૧૬૪ હેઠળનું નિવેદન લેવાની તૈયારી કહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યામુજબ ૧૧ વર્ષ પૂર્વે તેના પુત્રને પોલીસે બોગસ એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હોવાની આસિફની માતા હાજરાબીબીએ અરજી કરી હતી, જેમાં સુરતના તત્કાલીન પોલીસ કમિશનર કુલદીપ શર્મા, તત્કાલીન પીએસઆઇ વી.બી. પટેલ, આર.એસ. મવાણી, આર.એચ. હડિયા, જી.આર. પટેલ, ઇન્સપેક્ટર એમ.જી. કનેરિયા, કોન્સ્ટેબલ વસંત પાટિલ, ઇકબાલ પટેલ, સાહેબરાવ, ગુણવંતભાઈ અને તખતસિંહનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.
અરજીની તપાસ સીઆઇડી ક્રાઇમની વડોદરા યુનિટને સોંપવામાં આવી હતી. ઘણાંવર્ષો સુધી તપાસ મંદ ગતિએ ચાલ્યા બાદ સોહરાબુદ્દીન પ્રકરણ બાદ આ તપાસે વેગ પકડ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમ હવે એન્કાઉન્ટરમાં સામેલ એક પોલીસ કર્મચારીનું સીઆરપીસી ૧૬૪ હેઠળનું નિવેદન લેવાની તૈયારી કરી રહી હોવાથી ટૂંક સમયમાં આસિફ એન્કાઉન્ટર કેસ ખૂલે તેવી સંભાવના છે.
આસિફને ઝડપી લીધા બાદ ૧૩મી સપ્ટેમ્બરના રોજ સુરત ડીસીબીના અધિકારીઓ તપાસ માટે તેને સુરત નજીકના ભાટ ગામે લઈ ગયા હતા. પોલીસની થિયરી પ્રમાણે કુદરતી હાજતના બહાને આસિફ ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે ૧૪મી સપ્ટેમ્બરે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
૧૫મીએ ડીસીબીની ટુકડી મહિધરપુરા પોલીસે પકડાયેલા દિલીપ મરાઠાને તપાસ માટે કપલેટા-લાજપોર રોડ પર લઈ જતી હતી ત્યારે આસિફ ત્યાં આવ્યો હતો. આસિફ અને દિલીપ મરાઠાએ પોલીસ પર ગોળીબાર કરતાં પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં આસિફ અને દિલીપ મરાઠા બંને માર્યા ગયા હતા.
આસિફની માતાના આક્ષેપો
પેરોલ જમ્પના ગુનામાં આસિફને ડીસીબીએ ૯મી સપ્ટેમ્બરે પકડ્યો હતો, પરંતુ તેને બે દિવસ કસ્ટડીમાં ગોંધી રાખ્યો હતો.
આસિફને અગાઉ થયેલા અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તે દોડી શકતો નહોતો.
કસ્ટડીમાંથી નાસી છુટ્યો હોવાની પોલીસની થિયરી ખોટી છે.