કૃષ્ણને જ માત્ર પોતાનું એક માત્ર સંતાન માનતા રામભાઈ મહેતા છેલ્લા ૩૫ વર્ષથી દરેક લોકોને ક્રિષ્નાની બાળ લીલાઓ સાક્ષાત લોકો સમક્ષ રજુ કરે છે. રામભાઈએ આ વખતે તૃણાવત સુર સાથે કૃષ્ણની સવારીને બોલાવી છે.
નાનકડા બાળકથી ડરીને કંસમામાએ કૃષ્ણને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા. જ્યારે તેઓ તૃણાવત સુરને કૃષ્ણને મારવા માટે ગોકુળમાં મોકલે છે તે દરેક ઘટનાને રામભાઈ અને તેમના પત્નીએ પેઇન્ટિંગ અને પ્રતિમા સ્વરૂપે રજુ કરી છે. રામભાઇ અને તેમના પત્ની વિદ્યાબહેન દરેક જન્માષ્ટમી પર કૃષ્ણને અલગ અલગ થીમ દ્વારા પોતાના ઘરે આમંત્રિત કરે છે.
રામભાઈ કહે છે કે, ‘અમે દર વર્ષે જન્માષ્ટમીના બે મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દઇએ છીએ. કૃષ્ણની દરેક બાળ લીલાઓ અમે થીમ પ્રમાણે રજુ કરીએ છીએ. આ વર્ષે તૃણાવત સુર જ્યારે વંટોળ બનીને કૃષ્ણને ઉપાડી જાય છે ત્યારે ગોકુળ નગરીની જે સ્થિતિ હોય છે તે તમામ દ્રશ્યના અમે પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. આ ઉપરાંત તૃણાવત સુર અને તેના હાથમાં કૃષ્ણની બે ફૂટની મૂર્તિ પણ તૈયાર કરી છે.’