પંચમહાલ-દાહોદમાં કૃષ્ણભક્તો દ્વારા મટકીફોડના કાર્યક્રમ યોજાશે
ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણીના ભાગરુપ સૌ કોઇએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે શ્રાવણ વદી આઠમે શ્રીકૃષ્ણ જન્મની ભારે ઉલ્લાસથી જિલ્લામાં ઉજવાશે. બરોબર બારના ટકોરે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલકીના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠશે.
જન્માષ્ટમીનું કાઉન્ટ ડાઉન શરુ થતા જ લોકો આ પર્વની ઉજવણીના ભાગરુપ સૌ કોઇએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પંચમહાલ જિલ્લાની વૈષ્ણવ હવેલીઓ અને અન્ય સંપ્રદાયમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે બાળા કૃષ્ણ(લીલા)ને વધાવા માટેની તડામાર તૈયારીઓનો આરંભ કરી આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રાવણ વદ આઠમ તરીકે ઓળખાતો જન્માષ્ટમી પર્વનું જીવનલક્ષી અનેરુ મહત્વ હોવાથી ભક્તોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
આ ગોકુલ આઠમીને અનુલક્ષીને જિલ્લાના ગોધરા, લુણાવાડા, શહેરા, કાલોલ, હાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારોના મંદિરોને ફુલો-આસોપાલવના પરિણો તેમજ રોશનીથી શણગારવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે દિવસભર મંદિરમાં ભજન કિર્તનની રમઝટ બોલાશે અને મધ્ય રાત્રિએ કૃષ્ણ વધામણીના પદ ગવાશે તથા બરોબર બારના ટકોરે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલકીના જયઘોેષથી વાતાવરણ ગૂ્જી ઉઠશે.
આ દિવસે શ્રી કૃષ્ણ, ઠાકોરજી વૈષ્ણવ હવેલીએ, સ્વામિનારાયણ મંદિરોમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવશે. આઠમના દિવસે સ્ત્રીઓ અને શ્રદ્ધાળુ પુરુષો આઠમનો ઉપવાસ કરે છે. રાત્રિના બાર ના ટકોરે શ્રી કૃષ્ણના જન્મનોઉત્સવ ઉજવાશે. શ્રી કૃષ્ણને સોના ચાંદીના પારણામાં ભાવથી જુલાવવામાં આવશે. બરાબર રાત્રીના બાર કલાકે હાથીઘોડા પાલકી જય કનૈયા લાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, ના જયઘોષ વચ્ચે શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાશે
દાહોદ જિલ્લામાં ગુરૂવારે કૃષ્ણ જન્મનું પર્વ જન્માષ્ટમી ઉજવાશે. લાલાને વધાવવા સર્વત્ર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોમાં કનૈયાને ઝુલાવવા પારણાં શણગારવામાં આવી રહ્યા છે. મંદિરો રોશનીથી ઝળહળી ઉઠશે અને રાત્રે ૧૨ના ટકોરે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠશે તેમજ મટકી ફોડના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, ફતેપુરા, ધાનપુર, લીમડી, સુખસર, સંજેલી, બાંડીબાર, ગાંગરડી સહિતના ગામે ગામ જન્માષ્ટમીની આસ્થાપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉજવણી આ વર્ષે પણ કરવામાં આવશે.