આણંદના સોનીના છ વર્ષના પુત્રના અપહરણમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયાની જાણ થતાં જ અપહરણકારોએ પકડાઇ જવાની બીકે બાળકને છોડી દીધો : ચાર શખસની ધરપકડ
આણંદ શહેરમાં બુધવારે સાંજના સમયે એક સોનીના છ વર્ષના માસુમ દિકરાના થયેલા અપહરણના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, પકડાઇ જવાની બીકે બાળકને બિનવારસી હાલતમાં છોડી દેનાર ચાર ઇસમો આખરે મોબાઇલના લોકેશન આધારે ઝડપાઇ જવા પામ્યા હતા. આ બનાવમાં પોલીસ અધિક્ષક એ.કે.જાડેજા અને અધિકારીગણે ઝડપી તપાસ શરૂ કરતાં આરોપીઓ ગણતરીના કલાકોમાં જ ઝડપાઇ જવા પામ્યા હતા.
જોકે બાળકનું અપહરણ કરનાર ચારેય યુવાનો માજી કાઉન્સીલરના સબંધીઓ અને માલેતુજારના દીકરાઓ હોઇ આ અપહરણ પૈસા માટે નહી પણ બીજા જ કોઇ કારણસર થયું હોવાની ચર્ચાએ આણંદમાં જોર પકડ્યું છે. જેની સામે પોલીસ પુછપરછમાં આ આરોપીઓએ પોતાને વિદ્યાનગરમાં દૂકાન રાખવાની હતી અને તે માટે વધુ નાણાંની જરૂર હોવાથી અપહરણ કર્યું હોવાની કબુલાત કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદમાં ઠકકરવાડીની પાછળ અખંડ આનંદ બંગલામાં રહેતા અને ગામડી વડ પાસે જવેલર્સની દૂકાન ધરાવતા યોગેશભાઇ સોનીનો છ વર્ષનો દીકરો હર્ષ મંગળવારે સાંજના સમયે પોતાના મકાનની સામે થોડે દૂર રહેતા એક મકાનમાં ટયુશન જવા ઘરેથી નીકળ્યો હતો. તે વખતે કેટલાક ઇસમો હર્ષનું કારમાં અપહરણ કરી ગયા હતા. બાદમાં આ ઇસમોએ ફોન કરી યોગેશભાઇ પાસે ચાલીસ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી, અને પૈસા નહી મળે તો છોકરાને મારી નાખવાની હિન્દી, ગુજરાતી ભાષામાં ફોન ઉપર ધમકી આપી હતી.
પોતાના દીકારાનું નાણાં માટે અપહરણ થયું હોવાની જાણ થતાં જ યોગેશભાઇ ગભરાઇ ગયા હતા અને પોતાના એક મિત્રને આ બાબતની જાણ કરી પોલીસને હર્ષના અપહરણની જાણ કરી હતી. ટાઉન પીઆઇ ડી.એસ.વાઘેલાએ આ બાબતે એસપી એ.કે.જાડેજાને જાણ કરતાં તેઓએ એલસીબી પી.આઇ જે.બી.ગોહીલ, એસઓજી પીઆઇ રાજપૂત અને ઉપરાંત ડીવાયએસપી પાઠક અને બરંડા સહિતના અધિકારીઓને બોલાવી તાત્કાલીક આ બાબતની તપાસ કરવા માર્ગદર્શન આપી આદેશ આપ્યા હતા. પોલીસે ધમકી જે મોબાઇલ ઉપરથી આવી હતી તે ફોન નંબરની તપાસ કરી અપહરણકારોના લોકેશન મેળવવાની શરૂઆત કરી હતી. સાથે સાથે જિલ્લાના મહત્વની ચોકડીઓ ઉપર નાકાબંધી કરાવી દેવામાં આવી હતી.
જો કે, અપહરણકારોને પોલીસ તપાસ કરી રહી હોવાની કોઇપણ રીતે જાણ થઇ જતાં તેઓએ સાંજના સાતેક વાગ્યે બાળકને વિદ્યાનગર રોડ ઉપર એપીસીની બાજુમાં બિનવારસી હાલતમાં છોડી દીધો હતો. જે બાબતની યોગેશભાઇને તેમના કોઇ સબંધીએ જાણ કરતાં પોલીસ અને યોગેશભાઇએ સ્થળ ઉપર જઇ બાળકનો કબ્જો લઇ લીધો હતો.
બીજી બાજુ પોલીસે અપહરણકારોના મોબાઇલની સી.ડી.આરનો અભ્યાસ કરતાં મનોજભાઇ સુરેશભાઇ વસાવા અને મુબીન ઉસ્માનભાઇ વ્હોરા અપહરણકારોના સંપર્કમાં હોવાનું જણાઇ આવતાં તેઓને ઉંચકી લાવી પુછપરછ કરી હતી અને ધમકીભર્યા ફોન નંબર બાબતે પુછપરછ કરતાં તેઓએ અપહૃત બાળકના પડોશમાં જ રહેતા અજયભાઇ સુરેશભાઇ વસાવા અને તેના મળતિયાઓના હોવાનું જણાવી દીધું હતુ. પોલીસે અજયને તેના ઘરેથી ઉઠાવી લઇ તેની પુછપરછ આધારે તેનાભાઇ રૂપેશ તેમજ અપહરણમાં સાથ આપનાર અક્ષય ઉર્ફે લાલુ રમેશભાઇ વસાવા, આકાશ ઉર્ફે અકુ નિરવભાઇ વસાવા સંડોવાયેલ હોવાનું જણાવતાં તેઓને પણ પકડી લઇ સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ કર્યો હતો.
દૂકાન ખરીદવા અપહરણ કર્યાની કબુલાત
પીઆઇ ડી.એસ.વાઘેલાની પુછપરછમાં અજય અને રૂપેશને વિદ્યાનગરમાં એક દૂકાન રાખવાની હતી. આ દૂકાન ખરીદવા વીસેક લાખ રૂપિયાની જરૂરિયાત હોઇ તેઓએ આ અપહરણનું કાવત્રુ રચ્યું હતુ. આ ગુનામાં બંને ભાઇઓએ પોતાના સબંધીઓના બે દિકરાઓને તેમજ બે મિત્રોનો સહયોગ લીધો હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.
ગુનો ઉકેલવા પોલીસે બાર કલાક મહેનત કરી
પોલીસે આ બનાવની તપાસ માટે સાંજના પાંચ વાગ્યાથી લઇ સવારના પાંચ વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી. એસપી એ.કે.જાડેજા તેમજ ડીવાયએસપી આર.સી.પાઠક, પી.સી. બરંડા, પીઆઇ ડી.એસ.વાઘેલા,પીઆઇ જે.બી.ગોહીલ,પીઆઇ સી.એન. રાજપૂત ઉપરાંત વિદ્યાનગર પોલીસ મથકના ત્રણ પીએસઆઇ અને અન્ય અધિકારી ગણની મદદ લેવાઇ હતી. સાથે સાથે સમગ્ર જિલ્લાની પોલીસને જન્માષ્ટમીના તહેવાર નિમિતે વાહનચેકિંગના બહાને નાકાબંધી કરવા સૂચના આપી હતી.
એક જ કંપનીના નંબર વાપરતાં પકડાયાં
અપહરણ કરનાર ઇસમોએ એક જ કંપનીના મોબાઇલ ફોન નંબરનો ઉપયોગ કર્યો હતો. જેથી પોલીસને લોકેશન મેળવવામાં સરળતા રહી હતી. કંપનીના પૂના ખાતેના હેડકવાટર્સમાં સંપર્ક કરી કંપનીના અધિકારીઓને બનાવની ગંભીરતાની જાણ કરી હતી. આ આધારે કંપનીએ મોબાઇલ ફોન નંબર કોના નામે છે અને તેઓનું લોકેશન ક્યાં છે તે ઓનલાઇન પોલીસને જણાવ્યાં હતા. જે આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે, પ્રથમ આનાકાની બાદ આરોપીઓએ ગુનાની કબુલાત કરી લીધી હતી.
ચારયે આરોપીઓ વિદ્યાર્થી
છ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરનાર ચારેય ઇસમો નવલોહિયા અને માલેતુજાર બાપના દીકરા છે. અપહરણકાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ ૨૧ વર્ષનો અજય દાંતીવાડા એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરે છે, તેનો ૧૭ વર્ષનો ભાઇ રૂપેશ, ૧૮ વર્ષનો અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા અને ૧૭ વર્ષનો આકાશ ઉર્ફે અકુ નિરવ વસાવા આણંદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે.
ખંડણી ચૂકવવા પોલીસે નકલી નોટ તૈયાર રાખી
અપહરણ કરવાનું આખું કાવતરુ અજયે રચ્યું હતું. યોગેશભાઇ પાસે વીસ લાખ રૂપિયા માંગવાનું નકકી થયું હતું. જે અંગેની વાતચીત વખતે અક્ષયે ફોન પર વીસ લાખના બદલે ચાલીસ લાખ રૂપિયા માંગ્યા હતા. હર્ષને પટાવી અજય અને અક્ષય તેને ગાડીમાં લઇ ગયા બાદ આકાશ અને રૂપેશ પણ ત્યાં બાઇક લઇને આવ્યા હતા. અજય અને અક્ષય પરત આવી ગયા અને આકાશ અને રૂપેશ ત્યાં જ રોકાઇ ગયા હતા. બાદમાં અજયની સૂચના મળતાં રૂપેશ, આકાશ બાઇક ઉપર હર્ષને વિદ્યાનગર રોડ પર છોડી ગયા હતા. જોકે, પોલીસે ઓપરેશનના ભાગરૂપે નકલી નોટોની થપ્પી બનાવી જાળ પણ બિછાવી હતી.