ત્રણ દિવસ અગાઉ બનેલા બનાવની ફરિયાદ નોંધાતાં બે સામે ગુનો દાખલ
દાહોદ શહેર નજીક આવેલા રાબડાળ ગામેથી અપહરણ કરીને કાળીડેમ લઇ જવાયેલી સગીરા ઉપર શહેરના ગોદીરોડ વિસ્તારના યુવક દ્વારા તવેરા ગાડીમાં જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ બનેલા બનાવ અંગે સગીરાએ બળાત્કારી તેમજ અપહરણમાં મદદગારી કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો નોંધીને બંને યુવકોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્તજાણકારી અનુસાર દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતાં અર્જુનભાઇ હરિભાઇ વાઘરી અને દાહોદના તળાવ ફિળયા ભીલવાડા વિસ્તારમાં રહેતાં પુનમભાઇ ચેનિયાભાઇ નિનામા તવેરા કાર લઇને ૨૮મી તારીખના રોજ સવારના ૧૧ વાગ્યાના અરસામાં શહેર નજીક આવેલા રાબડાળ ગામના પંચમુખી હનુમાન મંદિર પાસે ગયા હતાં. ત્યાં તેમણે પગપાળા જતી રાબડાળ ગામની જ એક સોળ વર્ષિય કિશોરીનું બળપૂર્વક અપહરણ કર્યું હતું.
બંને આ સગીરાને શહેરથી દસ કિમી દૂર આવેલા ચોસાલા સ્થિત કાળીડેમ એકાંતમાં લઇ ગયા હતાં. ત્યાં અર્જુને તવેરા ગાડીની પાછલી સીટ ઉપર સગીરા ઉપર બળપૂર્વક બળાત્કાર કર્યો હતો. બળાત્કારનો
ભોગ બનેલી સગીરાએ આપવીતી પરિવારને વર્ણવતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. આ ઘટના અંગે ત્રણ દિવસ બાદ સગીરાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે દાહોદના બંને યુવકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.