વર્લ્ડ કપ (અંડર-૧૯) જીતીને આવેલા કાલેરિયા-સ્મિતનું ભવ્ય સ્વાગત

-ફાઇનલ નહીં રમવાનો અફસોસ નથી, ચંદે ચિંતા હળવી કરી નાખી: સ્મિત
સમગ્ર દેશ બુધવારે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આ દિવસ અમદાવાદ માટે ને પણ યાદગાર બન્યો હતો. તાજેતરમાં વર્લ્ડ કપ (અંડર-૧૯) જીતીને આવેલી ભારતીય ટીમના બે ખેલાડીઓ ઋષ કાલેરિયા અને સ્મિત પટેલ આ જ દિવસે અહીં આવી પહોંચ્યા હતા.
ઋષના ઘરે બંને ચેમ્પિયન ખેલાડીઓના સ્વાગત માટે તેમનો પરિવાર અને મિત્રો સભ્યો ભેગા થયા હતા. વર્લ્ડ કપ જીત્યા બાદ લાંબી મુસાફરી કરીને સ્વદેશ પરત ફરેલા બંને ખેલાડીઓ થાકેલા જણાતા હતા પણ તેમના પરિવાર અને મિત્રો ઉજવણીના મૂડમાં હતા. તેમનું ઢોલનગારા વગાડીને અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફાઇનલ નહીં રમવાનો અફસોસ નથી
ઝડપી બોલર ઋષ કાલેરિયાએ જણાવ્યું હતું કે વર્લ્ડકપ જીત્યા બાદ ખૂબ જ ખુશ છું. ફાઇનલ ન રમી શકવાને કારણે નિરાશ થયો નથી મને વેસ્ટ ઇન્ડીઝ સામે રમવાની તક મળી હતી તે મેચમાં મેં પવનની વિરુદ્ધ દિશામાં બોલિંગ કરી હતી અને મેં પાંચ ઓવરમાં ૧૩ રન આપ્યા હતા. વિશાખાપટનમ ખાતે અને મલેશિયામાં એશિયા કપમાં પણ મેં સારી બોલિંગ કરી હતી. તેથી જ્યારે જ્યારે મને રમવાની તક મળશ ત્યારે હું સારું પ્રદર્શન કરવાનો જ પ્રયત્ન કરીશ.
બોલ્ટની સ્ટાઇલની ઉજવણી નક્કી જ હતી
વર્લ્ડ કપ જીત્યા બાદ યુસૈન બોલ્ટ સ્ટાઇલમાં ઉજવણી અંગે ઋષ કાલેરિયાએ જણાવ્યું હતું કે અમે નક્કી કર્યું હતું કે જો અમે મેચ જીતીશું તો યુસૈન બોલ્ટની જેમ સેલબ્રિેશન કરતો ફોટોગ્રાફ પડાવીશું.
કોચને બંનેના પ્રદર્શનથી સંતોષ : પોતાના શિષ્યના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ખુશ સ્મિત અને ઋષના કોચ તારક ત્રિવેદીએ જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ પ્રતિભાશાળી છે સ્મિતે સમગ્ર ટૂનૉમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું જ્યારે ઋષ અંગે તેમણે જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામે તેણે અને સ્મિતે સારી ભાગીદારી નોંધાવી હતી પણ તેને શંકાસ્પદ રીતે આઉટ અપાયો હતો જેના કારણે ભાગીદારી તૂટી હતી તેથી ઋષને જ્યારે તક મળશે ત્યારે તે જરૂર સારું પ્રદર્શન કરશે.
ફાઇનલમાં સ્મિતે નિરાશા દૂર કરી: તારક ત્રિવેદી
ટૂનૉમેન્ટમાં સ્મિતના પ્રદર્શનથી ક્યારેક નિરાશ થયા હતા કે કેમ? આવા એક પ્રશ્નના જવાબમાં કોચ તારક ત્રિવેદીએ જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પ્રારંભ બાદ તે ખોટો શોટ મારવામાં આઉટ થયો હતો પરંતુ ફાઇનલમાં જ્યારે ટીમને તેની ખરેખર જરૂર હતી ત્યારે ઉન્મુકત ચંદ સાથે યાદગાર ઇનિંગ્સ રમીને મારી તમામ નિરાશા દૂર કરી દીધી હતી.
ચંદે ચિંતા હળવી કરી નાખી: સ્મિત
ફાઇનલ મેચમાં ૯૭ રનના સ્કોરે ચાર વિકેટ પડી જતાં ટીમના સુકાની ઉન્મુકત ચંદ સાથે જંગી ભાગીદારી નોંધાવીને અણનમ ૬૨ રનની યાદગાર ઇનિંગ રમેલા સ્મિત પટેલે જણાવ્યું હતું કે હું બેટિંગ કરવા ગયો ત્યારે શરૂઆતમાં થોડો નર્વસનેસ ફીલ થઈ હતી. પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ કોિન્ફડન્સ વધ્યો હતો. ઉન્મુકત સાથે ધીરે ધીરે ભાગીદારી આગળ વધારી અને એક વખત મેચ એ તબક્કે પહોંચી કે અમારો વિજય નક્કી હતો ત્યારે અમે ઝડપી રમત રમ્યા હતા. ભવિષ્યના પ્રદર્શન વિશે સ્મિતે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ વિજય બાદ રમતપ્રેમીઓની ખેલાડીઓ પાસે રહેલી અપેક્ષાઓ વધી જાય છે તેથી હવે પછીનું સ્ટેજ ઘણું મુશ્કેલ રહેશે. જોકે, મારો પ્રયાસ રહેશે કે આગળના આ મુશ્કેલ સ્ટેજમાં પણ હું સારું પ્રદર્શન કરીશ. ૫૦૦ રાઉન્ડ દોડવાની સજા કરી હતી
સ્મિતે દોઢ વર્ષ પહેલાં બનેલી એક ઘટના યાદ કરતાં કહ્યું કે હું અને ઋષ પ્રેક્ટિસ પછી થાક્યા અને ગ્રાઉન્ડમાં બેસી ગયા હતા. કોચ અમને જોઇ ગયા અને ગ્રાઉન્ડના ૫૦૦ રાઉન્ડ દોડ્યા પછી જ પ્રેક્ટિસમાં આવી શકશો તેવી સજા ફટકારી. બીજા દિવસે અમે ૨૦ રાઉન્ડ દોડ્યા પછી દયા આવતા તેમણે અમને પ્રેક્ટિસની રજા આપી હતી.






