જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણીની તડામાર તૈયારીઓ વડોદરા શહેરમાં કરી દેવામાં આવી છે. શહેરમાં કૃષ્ણ મંદિરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ, ભગવાન સ્વામીનારાયણના મંદિરો અને ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વે વિવિધ ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાત્રે ૧૦ વાગ્યાથી ભગવાનને કેસર સ્નાન, દૂધ સ્નાન સાથે અભિષેક અને મહાપૂજા યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરના તમામ દેવાલયોમાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.મધરાતે દેવાલયો નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઉઠશે. આ ઉપરાંત અનેક સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
મહારાષ્ટ્રના ૩૦૦ યુવકો ૩પ ફૂટ ઊંચી મટકી ફોડશે
કોર્પોરેટર રાજેશ આયરેએ પશ્ચિમ વિસ્તારમાં મટકી ફોડનો વિશેષ કાર્યક્રમ રાખી મહારાષ્ટ્રના ૩૦૦ યુવકોને મટકી ફોડવા માટે ખાસ આમંત્રિત કર્યા છે. આ યુવકો ૩પ થી ૪૦ ફૂટ ઊંચી મટકી બાંધશે જે કદાચ શહેરમાં સૌથી ઊંચી મટકી બની રહેશે.મહારાષ્ટ્રના શાણે પરિવારના યુવકો પૈકી એક ૧૨ વર્ષીય બાળકી સૌથી ટોચ પર ચઢી મટકી ફોડશે. પશ્ચિમ વિસ્તારના ગક્ષેત્રી વુડા કવાટર્સ, સમતા પાસે અમૃતનગર, ગોકુલનગર, ઇલોરાપાર્ક સાંઇનાથ મંદિર અને હાઇટેન્શન રોડ પર શુક્રવારે સાંજે ૫થી ૧૦ વાગ્યા દરમિયાન મટકી ફોડનો કાર્યક્રમ કરાશે.
શહેરના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે સવારે ૭.૧૫ કલાકે શ્રૃંગાર દર્શન શરૂ થશે. સાંજે ૪ થી રાતે ૧૦ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાતે ૧૦ થી ૧૨ ભગવાનની મહાપૂજા-અભિષેક બાદ રાતે ૧૨ ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે. દર્શનાર્થીઓ માટે ૫૦૦ મણ કેળાં, ૧૦૦૦ કિલોગ્રામ પેંડા, ૫ ક્વિન્ટલ મિસરી અને રાતે ૧૨ વાગ્યા બાદ ૨ ક્વિન્ટલ પંચાજરી વહેંચાશે.
હોટલો અને ફાર્મહાઉસો પર પોલીસની બાજનજર
જન્માષ્ટમીએ શહેર-જિલ્લામાં સાતમની રાતથી જ ખેલીઓ હજારો- લાખો રૂપિયાની હારજીત કરશે. જુગારની આ ગેઇમમાં કેટલીક જગ્યાએ તો મહિલાઓ પણ પુરુષ સમોવડી બની જશે. જુગારીઓ પર તવાઇ બોલાવવા માટે શહેર-જિલ્લાની હોટલો અને ફાર્મહાઉસો પર બાજનજર રાખવાના આદેશ આપી દેવાયા છે. શહેરના તમામ નાકાઓ પર પણ ચેકિંગ હાથ ધરાશે. જે વિસ્તારમાંથી જુગાર પકડાશે તો સંબંધિત અધિકારીઓ સામે પગલાં ભરાશે.