ઇઝરાયેલ સ્થિત વિશ્વખ્યાત સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં ઇનોવેશન સેન્ટર ઊભું કરી તેના કૃષિ તેમજ ઉદ્યોગ તજજ્ઞોની મદદ પૂરી પાડશે તેવો સંકેત આપી આ દેશના રાજદૂતે કહ્યું હતું કે ગુજરાતની ભૂમિ ઉપર અમે અવનવાં સંશોધનો કરી ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને જોઇતી ટેક્નિકલ સહાય આપવા ઉત્સુક છીએ.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજદૂત માર્ક સોફરે કહ્યું હતું કે, ભારત અને ગુજરાતનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. અમે ગુજરાતમાં મૂડીરોકાણ કરવા તૈયાર છીએ. ટેક્નોલોજીની આપ-લે તેમજ તજજ્ઞોની સેવાઓ આપી અમે સહકાર આપીશું.
દહેજમાં ઓર્ગેનિક પેસ્ટિસાઇડની બે ફેક્ટરી ઊભી કરવાનો ખ્યાલ આપી રાજદૂતે કહ્યું હતું કે, ઇઝરાયેલ પાસે પાણી, ઊર્જા, ઉદ્યોગ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની સ્કિલ છે, જેનો લાભ ગુજરાત સહિતનાં રાજ્યોને મળશે. ૨૦૧૧માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં અમે અમારી કંપનીઓ તેમજ તજજ્ઞોનું એક ડેલિગેશન મોકલવાના છીએ, જેઓ કૃષિ, ઉદ્યોગ સાથે બાયો ટેક્નોલોજી, નેનો ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી તેમજ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ભાગીદારી કરશે.
ગુજરાતમાં ડ્રીપ ઇરિગેશનના પ્રોજેક્ટ્સથી ખુશી અનુભવતા માર્ક સોફરે કહ્યું હતું કે, આ રાજ્યમાં ડ્રીપ ઇરિગેશનથી સંપૂર્ણ ખેતી કરવામાં આવે તો પાણીની બચત સાથે ખેડૂતોને નાણાં અને સમયની મોટી બચત થઈ શકે છે.