રાજકોટના પોલીસ કમિશનર ગીથા જોહરી સીબીઆઈના સકંજામાં સપડાતા જાય છે. ગુરુવારની પૂછપરછમાં જોહરીએ ગુમ થયેલા દસ્તાવેજો તથા કોલ ડિટેઈલની સીડી અંગે દોષનો ટોપલો તત્કાલીન તપાસનીશ અધિકારી પર ઢોળી દીધો હતો. જેના જવાબમાં શુક્રવારે તત્કાલીન તપાસનીશ અધિકારી વી. એલ. સોલંકીએ ઉપરી અધિકારી સાથે થયેલા તમામ પત્રવ્યવહારના દસ્તાવેજોની ઝેરોક્સ નકલો સીબીઆઈને સુપરત કરી ગીથા જોહરી સામે મજબૂત પુરાવા આપ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે..!
વી. એલ. સોલંકી શુક્રવારે લગભગ પાંચ કલાક સુધી, જુના સચિવાલયમાં સીબીઆઈની કચેરી ખાતે દસ્તાવેજોની ફાઈલો સાથે હાજર રહ્યા હતા. ગીથા જોહરીએ કરેલા તમામ આક્ષેપોનો ખુલાસો કરતાં તેમણે ગુમ થયેલા દસ્તાવેજોની નકલ, કે જેમાં ઉદેપુર જેલમાં તુલસી પ્રજાપતિની પૂછપરછ માટે પરવાનગી માગતા પત્રની નકલ પણ સામેલ હતી, તે સીબીઆઈને આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સોહરાબુદ્દીન અને કૌસરબી સાથે બસમાં ત્રીજી વ્યક્તિ તુલસી પ્રજાપતિ હતી કે નહીં તેની તપાસ માટે સોલંકીએ ડિસેમ્બર-૨૦૦૬માં ઉદેપુર જેલમાં તુલસી પ્રજાપતિની પૂછપરછની પરવાનગી માગતી અરજી ગીથા જોહરીને કરી હતી. આ અરજી મળ્યા બાદ ગીથા જોહરીએ વી. એલ. સોલંકીને મળવા માટે પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમની સાથે ઉદેપુર જવાનો ઉત્સાહ બતાવ્યો હતો.
બાદમાં આ અરજી સીઆઈડી ક્રાઈમના તત્કાલીન એડિશનલ ડીજી જી. સી. રાયગરને ફોરવર્ડ કરવામાં આવી હોવાનું જાણ્વા મળે છે. જો કે તે પછી અમિત શાહ, પી. સી. પાંડે, જી. સી. રાયગર અને ગીથા જોહરી વચ્ચેની મિટિંગ બાદ તે અરજીનો કોઈ પત્તો ન હતો. આ દરમિયાન ૨૬ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ સવારે તુલસી પ્રજાપતિને એન્કાઉન્ટરમાં ઢાળી દેવાયો હતો.
સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે આ અરજીની નકલ તેમને તત્કાલીન ઈન્સ્પેક્ટર સોલંકીએ પૂરી પાડી હોવાથી હવે તેની અસલ કોના કહેવાથી ગુમ કરાઈ તેની તપાસ કરવામાં આવશે..!
પી.સી. પાંડેને નવેસરથી સમન્સ પાઠવાશે
અમિત શાહ, ગુલાબચંદ કટારિયા અને પી.સી. પાંડે વચ્ચેની બંધબારણે થયેલી મિટિંગની વાતચીતની હકીકત જાણવા માટે સીબીઆઈ દ્વારા અગાઉ રાજ્યના તત્કાલીન પોલીસવડા પી.સી. પાંડેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બહારગામ હોવાથી આવી શક્યા ન હતા. હવે ફરીથી તેમને સમન્સ પાઠવી બોલાવાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
સોલંકીના ખુલાસા બાદ રાયગરને ફરી બોલાવાશે
વી.એલ. સોલંકીના ખુલાસા બાદ રાયગરને ફરી પૂછપરછ માટે બોલાવાય તેવી સંભાવના છે. કારણ કે અમુક દસ્તાવેજો ગુમ થયા તે વખતે તેઓ સીઆઈડી ક્રાઈમના ચાર્જમાં હતા તેમ સૂત્રોએ જણાવ્યું છે.
સાક્ષીઓની પાછળ પડછાયાની જેમ રહેતી CBI
સોહરાબ એન્કાઉન્ટર તથા કૌસરબી હત્યા કેસમાં ગૃહરાજ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતને જેલમાં ધકેલી દેનારી સીબીઆઇ હવે સાક્ષીઓની પાછળ પડછાયાની જેમ રહેવા લાગી છે. કોઈ સાક્ષી પોતાનું નિવેદન ન બદલી નાંખે એ ડરથી તપાસ એજન્સીના કર્મચારીઓ સાક્ષીઓની પળે પળની ખબર રાખી છે. તમામ સાક્ષી પણ આ બાબત જાણે છે અને તેઓ મોટે ભાગે લોકોને મળવાનું ટાળી રહ્યા છે. સીબીઆઇએ સંખ્યાબંધ સાક્ષીઓનાં નિવેદનો લઇને કેસને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા છે.
CBI તુલસી કેસના આરોપીઓની પૂછપરછની પરવાનગી માગશે
સુપ્રીમ કોર્ટે લાર્જર કોન્સ્પીરસીના ભાગરૂપે સીબીઆઈને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં ચકાસણી કરવા જણાવ્યું હોવાથી સીબીઆઈ ટૂંક સમયમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરાયેલા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરના આરોપીઓની પૂછપરછ કરવાની પરવાનગી અદાલત સમક્ષ માગે તેવી સંભાવના છે. આ પરવાનગી માટે સીબીઆઈના અધિકારીઓ કાયદાકીય માર્ગદર્શન મેળવી રહ્યા છે.