ફતેપુરા નગરની ઝાલોદ ચોકડી પર આવેલા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં બીજા રાજ્યનો સરકારી અનાજનો જથ્થો ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. ફતેપુરા પોલીસ અને મામલતદારની ટીમે સંયુક્ત ઓપરેશન કરી દરોડો પાડતાં ૧૬૦ કટ્ટા કી.૯૬૦૦૦નો ચોખાનો જથ્થો ઝડપાયો હતો. ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું અનાજ ઝડપાતાં તાલુકાના અનાજના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર સાંજે સાત વાગ્યાના સુમારે ફતેપુરા મામલતદાર વી.એમ.પ્રજાપતિ અને પીએસઆઇ એ.એન.તાવીયાડની ટીમે ઝાલોદ ચોકડી પર આવેલા આકાશ ટ્રેડીંગ સેન્ટરના માલિક શંકરભાઇ કિશોરી અગ્રવાલને ત્યાં તપાસ હાથ ધરતાં પંજાબ સરકારના માકૉ વાળો ૧૬૦ ગુણ ચોખાના કટ્ટા મળી આવ્યા હતા. ૮ હજાર કિલો ચોખાની કુલ કિમત ૯૬ હજાર રૂપિયા થઇ હતી. મામલતદારે વધુ તપાસ કરતા બીન હિસાબી જથ્થો અન્ય રાજ્યનો, બિલ બુક ન રાખેલ હોવાથી ગુજરાત આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી ચોખાનો મળેલ જથ્થો સીઝ કરાયો હતો. સરકારના માકૉવાળા ચોખાનો જથ્થો મળી આલતાં તેની તપાસ માટેનો દોર પંજાબ સુધી લંબાવવામાં આવ્યો છે.
વિજિલન્સ દ્વારા તપાસ જરૂરી
દાહોદ જિલ્લામાં ક્યાંય પણ ન મળે તેટલા સસ્તા ચોખા ફતેપુરામાં મળતાં મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ પણ અહીંથી ચોખા ખરીદે છે. તાલુકામાં કેટલાયે અનાજના વેપારીઓ અને કાળા બજારીયાઓ ગેરકાયદે અનાજનો ધીકતો ધંધો કરે છે. વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે તો વધુ જથ્થો મળી આવવાની શક્યતા જોવાઇ રહી છે.