- દાહોદ હેડક્વાર્ટર બદલી કરાવી દેવાઇ
- સદભાવના કાર્યક્રમના દિવસે પીએસઆઇની સામે જ પકોડીવાળાને માર માર્યો
ફતેપુરા તાલુકાના સુખસરમાં સદભાવના દાહોદ કાર્યક્રમના દિવસે બંદોબસ્તમાં રહેલા જમાદાર તથા હોમગાર્ડ જવાને દારૂ પી જઇ નશાની હાલતમાં પીએસઆઇની સામે જ એક પકોડીવાળાને માર મારી લારીનો કાચ ફોડી નાખ્યો હતો. જેથી જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
દાહોદમાં ૪ ફેબ્રુઆરીના રોજ સદભાવના કાર્યક્રમ હતો. જેથી સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઇ સોનરાત, એએસઆઇ ગરોડ, હોમગાર્ડ જોગડાભાઇ તથા અન્ય સ્ટાફ બંદોબસ્તમાં હતા. આ દરમિયાન સાંજના છ વાગ્યાના અરસામાં એએસઆઇ ગરોડ તથા હોમગાર્ડ બંને જણા ચિક્કાર દારૂ પીને નશો કરેલી હાલતમાં ત્યાં આવ્યા ને પી.એસ.આઇ.ની સામે જ લાકડી મારી લારીનો કાચ ફોડી નાખ્યો હતો.
તેથી પણ સંતોષ ન થતાં પકોડીવાળા સોનુ તથા તેની વિધવા માને પણ માર માર્યો હતો. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં આવી જતાં બંનેને પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં ગામ લોકોએ બનાવ અંગેની જિલ્લા પોલીસ વડા નિપૂણૉ તોરવણેને જાણ કરતાં તેમની સૂચનાથી પોલીસે ફરિયાદ નોંધી હતી. જેથી ડીએસપીએ આ જમાદારને સસ્પેન્ડ કરી દીધો હતો. અને દાહોદ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દીધી હતી.
ઘટનાના પગલે પોલીસ સામે લોકોમાં રોષ
જમાદાર અને હોમગાર્ડ નશો કરેલી હાલતમાં પોલીસ લોકઅપમાં પૂરેલા આઠ જેટલા આરોપીઓને લાકડીઓના ફટકા મારી ગંભીર માર માર્યો હતો. તેમજ આ હોમગાર્ડને પણ ઘર ભેગો કરી દેવાયો હતો.પોલીસ નિર્દોષ અને ગરીબ માણસોને માર મારતી હોવાથી પોલીસની કામગીરી પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.