-વકફ બોર્ડ ગાંધીનગરે પાંચ ટ્રસ્ટી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવેલી રાવ
-૧૯૯૫થી ૨૦૦૮ સુધી જમીન વારસાઈ રાખી ટ્રસ્ટની મિલકતોની ઉપજો અંગે કોઈપણ હિસાબ રાખ્યો નોહતો
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે આવેલી હઝરતપીર ગોરમશા શહીદબાવા દરગાહની જમીન વકફ બોર્ડની મંજુરી મેળવ્યાં સિવાય ટ્રસ્ટીઓએ વેચી નાખી હતી. આ બનાવ અંગે અધિક્ષક વકફ બોર્ડ, ગાંધીનગર દ્વારા ટ્રસ્ટીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા ડાકોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં હઝરતપીર ગોરમશા શહીદ બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહનો વારસાઈ ટ્રસ્ટીઓ મહંમદશા એહમદશા દિવાન તેમજ અન્ય ટ્રસ્ટીઓ વહીવટ કરે છે. આ ટ્રસ્ટીઓએ ૯ ઓગસ્ટ, ૧૯૬૩થી ૧૨ ડિસેમ્બર, ૨૦૦૭ના સમય દરમિયાન કોઈપણ સમયે વકફ બોર્ડની મંજુરી મેળવ્યાં વગર દરગાહ ટ્રસ્ટની ૨૦ વીઘાં જમીન ગીરો કે વેચાણ આપી દીધી હતી.એટલું જ નહીં દરગાહની ટ્રસ્ટની ખેતીની જમીનમાં વાવેતર કરતાં હોવા છતાં ૧૯૯૫થી ૨૦૦૮ સુધી જમીન વારસાઈ રાખી ટ્રસ્ટની મિલકતોની ઉપજો અંગે કોઈપણ હિસાબ રાખ્યો નોહતો. તેમજ વકફ બોર્ડ, ગાંધીનગરને ટ્રસ્ટની મિલકતની આવકના હિસાબો રજુ કર્યા નોહતા.
દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહંમદશા અહેમદશાં દિવાન, દાઉદશાં કરીમશાં દિવાન સહિત છ ટ્રસ્ટીઓએ દરગાહ ટ્રસ્ટ સાથે વિશ્વસાઘાત અને છેતરિંપડી કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. દરગાહ ટ્રસ્ટની ખેતીની જમીનના પ્રશ્ને થોડા સમય પહેલાં દિવાન તેમજ મુસ્લિમોના બે જુથો વચ્ચે ઝઘડો થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે અધિક્ષક ગુજરાત વકફ બોર્ડ, ગાંધીનગરના મુસ્તાક અહેમદઅબ્દુલમજીદ શેખે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહંમદશા અહેમદશાં, દાઉદશાં કરીમશાં, ઐયુબશાં બફાતીશા, ફારૂકશા મલંગશા દિવાન, જહિરશાં ઈબ્રાહિમશાં તેમજ રાજુશા દાઉદશા દિવાન સામે ગુનો નોંધ્યો હતો.